ગુજરાત હોય કે પંજાબ કે પછી દેશનો કોઈપણ ખૂણો પકડો… વિદેશમાં અભ્યાસ કરીને પોતાની કેરિયરને ઊંચાઈએ લઈ જવું એ દરેક બાળક જ નહીં દરેક મા-બાપ દરેક પરિવારનું સપનું હોય છે. આજકાલ પોતાની લિબરલ વિદેશ નીતિને કારણે લોકો કેનેડાની રાહ પકડવાનું વધારે પસંદ કરી રહ્યા છે. બેશક એ નિર્ણય સાચો અને સારો જ છે પરંતુ જેમ દરેક કામોમાં વિધ્નકર્તાઓ હોય છે આપણી બળવત્તર ઈચ્છાઓનો લાભ ઊઠાવી પોતાની ઠગવિદ્યા અજમાવતા બદમાશો હોય છે એ રીતે અહીં પણ લોકોને ભોળવીને પૈસા પડાવી તેમની જીંદગી બરબાદ કરતી ટોળકીઓ આસપાસ ફરી રહી છે. તમને એ લોકોના કારનામાઓથી જાગૃત કરવાનો ગુજરાત બ્રેકિંગનો આ પ્રયાસ છે. યોગ્ય લાગે તો અન્યને પણ શેર કરશો શું ખબર તેનાથી કોઈ બાળકનું સપનું તૂટતું બચી જાય.
ભારત અને પાકિસ્તાનની સરહદ નજીક આવેલું એક નાનકડું શહેર છે ફિરોઝપુર. હરજીત કૌર સંધુ આ શહેરની એક આશાસ્પદ છોકરી છે. હરજીત તેના પરિવારની પ્રથમ છોકરી હતી જે અભ્યાસ માટે વિદેશ ગઈ હતી. હરજીત પોતે તેની વાત કહે છે જે તેના જેવા હજારો બાળકોની આંખ ઊઘાડનારી છે. હરજીતે કહે છે, મારા ગામની મોટાભાગની યુવતીઓ ઘરની બહાર પગ પણ નથી મુકતી. પરિવારની લાગણી અને આશીર્વાદથી એ ગામમાંથી હું કેનેડા ભણવા પહોંચી મને પોતાને આ વાત પર વિશ્વાસ ન હતો હું ખુબ જ ખૂશ હતી. મારા એક દૂરના સંબંધીએ મારામાં કેનેડામાં અભ્યાસ કરવાના સપના ઉમેર્યા. હરજીત વિદેશમાં અભ્યાસ માટે કન્સલ્ટન્ટ બ્રિજેશ મિશ્રાના સંપર્કમાં આવી. તમને જણાવી દઈએ કે આ એ જ બ્રિજેશ છે જે કેનેડામાં હાલ કાનુની સકંજામાં જકડાઇ ચૂક્યો છે. બ્રિજેશે 2017માં હરજીતને એડમિશન અને વિઝા અપાવવામાં મદદ કરી હતી.
આ વાતને આજે છ વર્ષ વિતી ગયા. હાલત એ છે કે, કેનેડામાં હરજીત અને તેના જેવા સેંકડો ગુજરાતી સહિત ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ ભાસી રહ્યું છે. આ વિદ્યાર્થીઓ સમક્ષ ઓથોરિટીએ બોમ્બ ફોડતા કહ્યું છે કે તેમની વિઝા રિક્વેસ્ટ સાથે બિડાણ કરેલો ઓફર લેટર નકલી છે. આમાંથી ત્રણ વિદ્યાર્થીઓ મોહાલી ઓરેન્જ ઓવરસીઝ, અમૃતસર ગ્લોબલ એજ્યુકેશન અને ઉત્તરાખંડ ફ્લાય ઓવરસીઝના છે. કેટલાક ગુજરાતના વિવિધ ટાઉનમાંથી પણ આવે છે. તમામ વિદ્યાર્થીઓએ તનતોડ મહેનત કરી તેમનો અભ્યાસ પૂર્ણ પણ કરી લીધો છે. હવે આ છેતરપિંડી ત્યારે પ્રકાશમાં આવી જ્યારે આ યુવક-યુવતીઓએ કેનેડામાં કાયમી વસવાટ માટે અરજી કરી. કેનેડા બોર્ડર સર્વિસ એજન્સીએ વિદ્યાર્થીઓ સમક્ષ આ ધડાકો કર્યો.
એજન્ટો દ્વારા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરીને અને ખોટા વચનો આપીને નીચા રેન્કિંગની કોલેજોમાં પ્રવેશ મેળવવાના સંખ્યાબંધ કિસ્સાઓ ગુજરાતમાં પણ સામે આવ્યા છે. આવા કેસોના અભ્યાસુ કાનુની સલાહકારોનું કહેવું છે કે આ પ્રકારના કેસોમાં લગભગ એકસરખી મોડસ ઓપરેન્ડીનો જ ઉપયોગ થયો હોય છે. એજન્ટો વિદેશી યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે પોતાને ઓળખાવે છે અને તેમના ત્યાં તમામ કક્ષાએ સંપર્કો હોવાનો દાવો કરે છે. હકીકતમાં આ લોકો એટલા બદમાશ હોય છે કે તેઓ ડોક્યૂમેન્ટ્સ તો ઠીક કાગળ પર તમને આખેઆખી નકલી કોલેજ પણ દોરી આપતાં ખચકાતાં નથી. લોકોને ભરમાવવા માટે તેની એક વેબસાઈટ પણ બનાવડાવી લે છે. આ લોકો કોલેજમાં સીટની ગેરંટી આપવાના નામ પર બિન્દાસ્તપણે વાલીઓ પાસેથી વધારાના પૈસા પણ લે છે. વિદ્યાર્થીઓ કેનેડા પહોંચે ત્યારે જાણ થાય છે કે ‘ગેરંટી’ સીટ જેવી કોઈ વાત ત્યાં હોતી નથી. વાલીઓ એવી ઑફર્સ અને કોલેજોના નામે છેતરાઈ જાય છે જેનું હકીકતમાં કોઈ વજૂદ જ હોતું નથી.
હરજીતની જેમ જ ભોગ બનેલી દિપાલી સાથે અમે વાત કરી તો તેણે કહ્યું કે જ્યારે તે કોલેજમાં ઓરિએન્ટેશન માટે પહોંચી તો લિસ્ટમાં તેનું તો નામ નહીં હતું. કોલેજ મેનેજમેન્ટે મને મારા એજન્ટો સાથે વાત કરવા જણાાવ્યું. તો એજન્ટ પાસે રોકડો જવાબ હતો અને તેણે દિપાલીને કહ્યું સીટ ઓવરબુક થઈ ગઈ હોવી જોઈએ. કમનસીબી એ છે કે, પ્રોફેશ્નલ એપ્રોચ સાથે વર્તતા તે સમયે કોલેજના રિસેપ્શનિસ્ટ કે કોલેજ સ્ટાફે તેને એમ પણ જણાવ્યું નહીં કે ઑફર લેટરમાં પણ કોઈ સમસ્યા છે. દિપાલીએ જેમતેમ કરીને કેનેડામાં અન્ય કોલેજમાં પ્રવેશ મેળવીને ડિગ્રી મેળવી. તેને ત્યાંની ડિગ્રીના આધારે કામચલાઉ વર્ક પરમિટ પણ મળી. હવે 2022માં CBSAએ તેને દેશમાંથી હાંકી કાઢવા સબબ નોટિસ આપી. આ નોટિસ મળતાં જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ વાત હજી પણ સૌની સમજ બહાર છે કે આ વાતની જાણ થતાં તંત્રને છ વર્ષ કેવી રીતે લાગ્યા. જોકે, અમદાવાદનો આ પરિવાર હજી આશા સેવીને બેઠો છે કે અમારા પ્રયત્નો ચાલુ જ છે અને ભારતીય ઈમિગ્રેશન વિભાગ પર એટલો વિશ્વાસ છે કે જો અમને વિઝા મળી જશે તો બધું સારું થઈ જશે.
શિક્ષણ મંત્રાલયના તરફથી મળતી વિગતો અનુસાર, 2022માં 7 લાખ 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ ગયા હતા. ગત છ વર્ષની સરખામણીમાં આ સૌથી વધુ સંખ્યા છે. જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે પહોંંચ્યા છે તે પૈકી મોટાભાગના ટાયર 2 અને ટાયર 3 શહેરોના છે. સ્ટુડન્ટ લોન પ્લેટફોર્મ પ્રોડિજી ફાઇનાન્સનો રિપોર્ટ કહી રહ્યો છે કે, 2022માં તેમની સેવાઓની માંગમાં 162%નો તોતિંગ ઊછાળ છે. વિદેશમાં ભણવાનું સપનું જોવામાં પુરતા જ્ઞાનના અભાવે ગ્રામિણ અને નાના શહેરોના વાલીઓ બોગસ એજન્ટોની જાળમાં ફસાઈ રહ્યા છે. આમાંના મોટાભાગના પરિવારો નબળી આર્થિક સ્થિતિના છે. તેમના પરિવારો તેમની ઘર-જમીન દર-દાગીના ગીરવે મૂકીને તેમના માટે નાણાંની વ્યવસ્થા કરે છે. કેનેડામાં આર્થિક ભારણ ઓછું કરવા આ કુમળા બાળકો હસતું રમતું જીવન ભૂલીને સામાન્ય નોકરી કરવા પ્રેરાય છે. વિદ્યાર્થી અધિકાર જૂથ નૌજવાન સપોર્ટ નેટવર્કના અરીન ગોસ્વામી કહે છે કે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ પાસે ઓછું જ્ઞાન હોય છે અને તેઓ ભાષાની સમસ્યાનો પણ સામનો કરે છે. આવી સ્થિતિમાં, તેઓ બદમાશોનો મુખ્ય ટારગેટ બની જાય છે.
અંતે એ જાણવું જરૂરી છે કે આવા છેતરપિંડીના કેસોમાં સિવિલ અને ફોજદારી બંને માર્ગ ખુલ્લા છે. જો કે, વિદ્યાર્થીઓને આ કેસોમાં કાયદાકીય ખર્ચ વધારવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઉદાહરણ તરીકે, આવા સંજોગોનો સામનો કરતો મનોજ કહે છે કે તેના જેવા અનેક વિદ્યાર્થીઓ લગભગ બે વર્ષથી સતત ભય હેઠળ જીવી રહ્યા છે. આવા લેભાગુ બદમાશ એજન્ટો પર કાબુ મેળવવા જરૂર છે એક મજબૂત કેન્દ્રીય માળખું બને અને એ માટે શિક્ષણ વિભાગ આગળ આવે.