મહિલા સાહસિકોનું હેલ્થ ચેકઅપ, આંખ – દાંતની તપાસ, બ્લડપ્રેશર, બ્લડસુગર, ઇસીજી, પીએફટી અને ગાયનેકોલોજી તપાસ ઉપરાંત શરીર પરની ફેટનું એનાલિસિસ કરવામાં આવ્યું
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિમેન આંત્રપ્રિન્યોર સેલની ઉદ્યોગ સાહસિક બહેનો માટે 9 ફેબ્રુઆરીએ સવારે ૧૧:૦૦ થી બપોરે ૩:૩૦ કલાક સુધી અલથાણ ચાર રસ્તા નજીક આવેલી બોમ્બે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન થયું હતું.
read more: નવા કે ચાલુ કારખાના માટે નવા લાયસન્સ મેળવવા કે રીન્યુ કરાવવા પુર્વે હવે ફાયર એનઓસી ફરજીયાત નહીં
બોમ્બે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલક અને ચેમ્બરની વિમેન આંત્રપ્રિન્યોર સેલના સભ્ય એવા ગાયનેકોલોજિસ્ટ ડો. સોનિયા ચંદનાનીએ ઉદ્યોગ સાહસિક બહેનો તથા ચેમ્બરની મહિલા સ્ટાફ કર્મચારીઓનું હોસ્પિટલમાં વિનામૂલ્યે મેડીકલ ચેકઅપ માટે સ્વાગત કર્યું હતું. આશરે ૩૦ જેટલી મહિલા ઉદ્યોગ સાહસિકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં બોડી ચેકઅપ, આંખની તપાસ, દાંતની તપાસ, બ્લડપ્રેશર, બ્લડસુગર, ઇસીજી, પીએફટી અને ગાયનેકોલોજી તપાસ કરવામાં આવી હતી. સાથે જ શરીરમાં વધેલા ફેટનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું.
આ મેડીકલ ચેકઅપ કેમ્પમાં ડો. સોનિયા ચંદનાની ઉપરાંત ઇરીડોલોજિસ્ટ ડો. મિસ્ત્રી, ઓપ્થેમોલોજિસ્ટ ડો. અનિકેત, સર્જન ડો. પાયલ મહેતા, ડો. કાજલ તેજાની, ફિઝીયોથેરાપિસ્ટ ડો. ગૌરવ સમનાની તથા હેમરાજ ગંગવાની અને કૃતિકા નાઇક વિગેરેએ સેવા આપી હતી. ડો. સોનિયાએ વિમેન્સ ડેના દિવસે ચેમ્બરની સિનિયર સિટીઝન મહિલા સભ્યો માટે વિનામૂલ્યે મેડીકલ ચેકઅપ રાખવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
ઉપરોકત મેડીકલ ચેકઅપ કાર્યક્રમનું સંચાલન ચેમ્બરના ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ કર્યું હતું. વિમેન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન જ્યોત્સના ગુજરાતીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. વિમેન આંત્રપ્રિન્યોર સેલના એડવાઇઝર સ્વાતિ શેઠવાલાએ વિનામૂલ્યે મેડીકલ ચેકઅપની સુવિધા પૂરી પાડનાર ડો. સોનિયા ચંદનાનીનો પરિચય આપ્યો હતો. અંતે સેલના સભ્ય શિલ્પી સાધે તમામનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.