આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વિકાસ પરિષદ સુરત મેઈન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતના સંયુક્ત ઉપક્રમે સંપુર્ણ વંદે માતરમ્ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સમિતિની 321 શાળાઓએ ભાગ લીધો હતો. ફાઈનલ સ્પર્ધા માટે આ પૈકી 44 સ્પર્ધકોની પસંદગી થઈ હતી. ફાઈનલ સ્પર્ધા 15 માર્ચ 2022ના રોજ શ્રીમતી સરોજીની નાયડુ પ્રાથમિક શાળા ક્રમાંક 153માં યોજવામાં આવી હતી.
ભારત વિકાસ પરિષદના પ્રમુખ રૂપીન પચ્ચીગરે આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, આઝાદીના 75મા વર્ષની ઉજવણી સંપૂર્ણ વંદે માતરમ્ ગીતની સ્પર્ધા દ્વારા કરવામાં આવી. આ આઝાદીના અમૃત મહોત્સવને છાજે એવું કામ થયું છે. આનંદની વાત એ છે કે, તમામ 44 સ્પર્ધકો આખું વંદે માતરમ્ ગીત મોઢે ગાતા હતા. એમની સૂર અને લયબદ્ધ રજૂઆત આહ્લાદક અને રોમાંચક હતી. કેટલાક સ્પર્ધકોએ સંગીતના સથવારે તો કેટલાક સ્પર્ધકોએ સંગીતની મદદ વિના પણ સૂરમાં ગાયું હતું. ફાઈનનલ સ્પર્ધામાં ભારત વિકાસ પરિષદ દ્વારા 11 વિદ્યાર્થીઓને ત્રિરંગા ધ્વજથી સુશોભિત વિજેતા કપ એનાયત કરવામાં આવ્યા હતા. નિર્ણાયક તરીકે યશસ્વી પટેલ અને વિક્રમ જોષીએ સેવા આપી હતી.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ધનેશ શાહે તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવી પ્રોત્સાહીત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મહિલા સંયોજક રંજનબેન પટેલ, કાર્યક્રમના સંયોજક મનીષાબેન પટેલ અને ઉપપ્રમુખ પ્રતિમાબેન સોનીની મહેનત રંગ લાવી હતી. હેમાબેન સોલંકી, નીનાબેન દેસાઈ, જ્યોતિ પટેલ, કલ્પેશ શાહ, શ્વેતા પંચોલી, કલ્પેશ ગાંધી વિગેરેની ઉપસ્થિતિ કાર્યક્રમની શોભા હતી. આભારવિધી મનીષા પટેલે કરી હતી.