પંચપર્વ દિવાળીનો તહેવાર શરૂ થઈ ચૂક્યો છે. લોકો પોતાની ખરીદી બાદ હવે શુકનમાં અપાતી ચલણી નોટો માટે દોડધામ કરી રહ્યા છે ત્યારે સુરત ખાતે બજારમાં 50 અને 100 રૂ.ની ચલણી નોટના બંડલનો ભાવ સાતમા આસમાને પહોંચી ગયો છે. આ નવી ચલણી નોટોની ભારે તંગી વર્તાઇ રહી છે. નિયમિત ગ્રાહકોને પણ બેંકો એવું કહીને ટાળી રહી છે કે આ વખતે બેંકમાં ખૂબ મર્યાદિત પ્રમાણમાં નોટ આવી હોવાથી આ સ્થિતી સર્જાઇ છે. વેપારી વર્ગ રોજ બેંકમાં નવી નોટ માટે ધક્કા ખાય છે પરંતુ બેંકો પાસે નોટ માટે ના પાડી જ રહી છે. બીજીતરફ આ સંજોગોનો ફાયદો ઊઠાવી કોટ વિસ્તાર જે નવી નોટ મેળવવાનું હબ ગણાય છે ત્યાં નવી નોટના બ્લેક કરનારાઓનો તોટો જામ્યો છે.
દિવાળીમાં નવી ચલણી નોટો બ્લેકમાં મોટાપાયે વેચાણ થઇ રહી છે. રૂ. 100ના બંડલ પર લોકો 500 અને રૂ. 50ના બંડલ પર 700થી 800 રૂ. વધારે ચૂકવી રહ્યા છે. વરાછાના એક હિરા કારખાનેદાર બેંકમાં ઘણા દિવસોથી હારી-થાકી બ્લેકમાં 100ની રિમ ઊંચા ભાવે ખરીદી કર્યા બાદ નામ ન આપવાની શરતે ગુજરાત બ્રેકિંગ સાથે જે વાતો કરી એ વધુ ચોંકાવનારી છે. તેમનું કહેવું હતું કે, ઘણાં દિવસોથી દિવાળીના તહેવારમાં નવી નોટોના બંડલ મેળવવાના હોવાથી કેટલાક પેંધા પડેલા દલાલો જરૂરિયાતોમંદોને વહેલી સવારથી આધારકાર્ડ લઇને લાઇનમાં ઉભા રાખીને 50 અને 100ની નોટોના બંડલો મેળવી રહ્યા છે. જરૂરિયાતમંદોને દિવસના આ માટે 200 રૂ. ચુકવવામાં આવે છે.
આ હાલત બધે જ છે. ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં પણ વેપારીઓની બૂમરાણ છે કે, કોઈપણ વેપારી નવી નોટ મેળવવા પહોંચે એટલે બેંકના જવાબો જ એટલા ઊડાઉ હોય છે કે, નાછૂટકે તેણે બહારથી બ્લેકમાં નોટ મેળવવી પડે છે ! બેંકો ફક્ત પોતાના મોટા ગણાતાં ગ્રાહકોને વ્યક્તિગત રીતે સાચવી જાણે છે અને સામે થોડો ફાયદો ગિફ્ટ સ્વરૂપે મેળવી લે છે. મરો સમગ્ર બાબતે એ વેપારીઓનો જ છે જેણે વ્યવહાર સાચવવા ગાંઠનું ગોપીચંદન કરવું પડે છે.