આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપે લોકસભાના 72 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના 7 બેઠકાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. સાત પૈકી બે ઉમેદવારોને રીપીટ કરવામાં આવ્યા છે. જ્યારે પાંચ સીટ પરથી નવા ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.જણાવી દઈએ કે, આ પહેલા ભાજપે ગુજરાતની 15 બેઠકો માટેના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
ભાજપે ગુજરાતની કુલ 26 સીટ પૈકી 22 સીટ પર ઉમેદવાર જાહર કર્યા છે.તેમજ અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને મહેસાણામાં ભાજપે ઉમેદવારો જાહેર કર્યા નથી. અમરેલીથી નારણ કાછડીયા, જૂનાગઢથી રાજેશ ચુડાસમા, સુરેન્દ્રનગરથી ડો.મહેન્દ્ર મુંજપરા અને મહેસાણાથી શારદાબેન પટેલ સાંસદ છે. શારદાબેન પટેલે સામેથી ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે.
ભાજપે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની ટીકીટ કાપી છે. તેમના સ્થાને મુકેશ દલાલને ટિકિટ આપી છે. તો ભાવનગરના વર્તમાન સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળને ટિકિટ નથી મળી. તેમના સ્થાને ભાવનગરના પૂર્વ મેયર નિમુબેન બાંભણીયાને ટિકિટ અપાઇ છે.
વલસાડ જિલ્લા પંચાયતમાં ધવલ પટેલ સભ્ય છે. તેઓ જિલ્લા પંચાયત ન્યાય સમિતિના પૂર્વ અધ્યક્ષ છે. તેમણે બીટેક, કોમ્પ્યુટર એન્જિનિયરીંગ, એમબીએનો અભ્યાસ કર્યો છે. ધવલ ઘોળયા પટેલ સમાજમાંથી આવે છે. હાલમાં તેઓ એસટી મોરચાના નેશનલ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને ધવલ પટેલ વચ્ચે જંગ થશે.
આ સાથે સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરને ટિકિટ અપાઈ છે, તો છોટાઉદેપુરમાં જશુભાઈ રાઠવા અને વલસાડ બેઠક પર ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી છે. હજુ 4 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત બાકી છે. જેમાં મહેસાણા, અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ સામેલ છે.
આ બેઠક પર ફરીથી સાંસદ હસમુખ પટેલ પર ભરોસો કર્યો છે. તેઓ અમરાઇવાડીથી 2 વાર ધરાસભ્ય પણ રહી ચુક્યા છે. તા.11-11-1960 ના રોજ જન્મેલા હસમુખ કડવા પટેલ સમાજાંથી આવે છે. તેઓ એએમસીમાં 2 ટર્મ કોર્પોરેટર પણ રહ્યા છે. એસ્ટેટ કમીટી અને વોટર સપ્લાય કમીટી ચેરમેન તરીકે કાર્યરત હતા. છેલ્લા 30 વર્ષથી જાહેર જીવનમાં ફરજ બજાવે છે. હસમુખભાઇ અને કોંગ્રેસના રોહન ગુપ્તા વચ્ચે સીધો મુકાબલો થશે.
વડોદરાથી હાલના સાંસદ રંજન ભટ્ટ પણ ટિકીટ મેળવવામાં સફળ રહ્યા છે. બ્રાહ્મણ સમાજમાંથી આવતા રંજનબેને ધ.12 સુધી અભ્યાસ કર્યો છે. તેઓ એલઆઇસી એજન્ટ રહી ચુક્યા છે. 2 ટર્મ સાંસદ અને બે ટર્મ વડોદરા મહાનગર પાલીકામાં કોર્પોરેટર રહી ચુક્યા છે. 30 વર્ષથી જાહેર જીવનમાં કાર્યરત રંજનબેન ડે.મેટર, સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન તરીકે ફરજ બજવી ચુક્યા છે. કોંગ્રેસે વડોદરાથી ઉમેદવાર જાહેર કર્યો નથી.
છોટાઉદેપુર બેઠક પરથી ગીતાબેન રાઠવાના સ્થાને જસુ રાઠવાને ભાજપે ટીકીટ આપી છે. તેમણે ગત વિધનસભા ચૂંટણીમાં ભાજપ સામે બળવો કર્યો હતો. જોકે બાદમાં તેઓ ફરીથી ભાજપમાં જોડાયા હતા. તા.28-12-1970 માં જન્મેલા જસુ રાઠવા જનજાતિ રાઠવા સમાજમાંથી આવે છે. તેમણે બીએ સુધી અભ્યાસ કર્યો છે. તે પ્રદેશ એસટી મોરચાના ઉપાધ્યક્ષ અને છોટા ઉદેપુર જિલ્લા પ્રમુખ પણ રહ્યા છે. લોકસભા ટિકીટની લાલચે તાજેતરમાં ભાજપમાં જોડયેલા નારણ રાઠવાને ટીકીટ મળી નથી.