ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુજરાતની ચૂંટણી બાબતે ઢંઢેરો જારી કર્યો છે. જેમાં ગુજરાતના યુવાનોને રોજગારથી લઈને શિક્ષણ, ખેડૂતો, મહિલાઓ અને શાળાના બાળકો માટેના વચનો આપવામાં આવ્યા છે.
ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો ચૂંટણી ઢંઢેરો “સંકલ્પપત્ર” જાહેર કરતા જણાવ્યું કે આગામી પાંચ વર્ષમાં અમે 40 નવા વચનો આપીએ છીએ અને તે પૂરા કરવાની પણ ખાતરી આપીએ છીએ.
નડ્ડાએ કહ્યું કે અમે કોઇ ગેરંટી કાર્ડ ઇશ્યુ કરતા નથી કારણ કે ભાજપ જ ખુદ ગેરંટી છે. આજે 80 પાનાનો ભાજપનો સંકલ્પપત્ર જાહેર કરતા જે.પી. નડ્ડાએ કહ્યું કે ગુજરાતમાં આગામી પાંચ વર્ષમાં 20 લાખ યુવાઓને રોજગારી આપવામાં આવશે તેમજ દેશમાં આઈટીઆઈની માફક રાજ્યમાં પણ ચાર ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી સ્થાપવામાં આવશે.
વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર તરફથી મફત ઇ-સ્કૂટી આપવામાં આવશે. મહિલાઓ માટે પાંચ વર્ષમાં એક લાખ રોજગારીનું સર્જન થશે. ગુજરાતમાં તમામ મજદૂરોને રૂા. બે લાખની ગેરંટી લોન અપાશે તેમજ આયુષ્યમાન ભારત યોજના હેઠળ પાંચ લાખ સુધીનો જે આરોગ્ય વીમો હાલ મળે છે તે ગુજરાતમાં રૂા. 10 લાખ કરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શ્રી નડ્ડાએ જાહેર કરેલ આ સંકલ્પપત્રમાં રાજ્યમાં ફ્રી ડાયગ્નોસ્ટીક સ્કીમ હેઠળ ખાસ ભંડોળ ઉભા કરવામાં આવશે જે આર્થિક રીતે નબળા વર્ગ માટે મફત ડાગ્નોસ્ટીક ઉપલબ્ધ કરાવશે.
ભાજપે ચૂંટણી ઢંઢેરામાં કયા કયા વચનો આપ્યા?
ખેડૂતોના માર્કેટિંગ માટે 10 હજાર કરોડ રૂપિયા ખર્ચાશે.
25 હજાર કરોડ રૂપિયા ખર્ચીને સિંચાઈ વ્યવસ્થાને મજબૂત બનાવશે.
500 કરોડનો ખર્ચ કરીને ગૌશાળાઓને મજબૂત બનાવીશું.
એક હજાર વધારાની મોબાઈલ વેટરનરી હોસ્પિટલ શરૂ કરશે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે સી ફૂડ પાર્ક તૈયાર કરશે.
યુવાનો માટે 20 લાખ નોકરીઓ વિકસાવવામાં આવશે.
શ્રેષ્ઠ શાળા તૈયાર કરવા માટે રૂ. 10,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
દેશનો પહેલો બ્લુ ઈકોનોમી ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર તૈયાર થઈ જશે.
ફિશિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ મજબૂત કરવામાં આવશે.
સમગ્ર ગુજરાતને 04 અને 06 લેન રોડથી જોડશે. ફ્લાયઓવર બનશે.
ગુજરાત ઓલિમ્પિક મિશન હેઠળ વિશ્વ કક્ષાના રમતગમત સુવિધા કેન્દ્રો બનાવવામાં આવશે.
વિદ્યાર્થિનીઓને ઇલેક્ટ્રિક સ્કૂટી આપવાનું વચન આપવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દરેક પરિવારને મફત સારવાર માટે મળનારી રકમ 5 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવશે.
આગામી પાંચ વર્ષમાં ગુજરાતની એક લાખ મહિલાઓને રોજગાર આપવામાં આવશે.