શકિતપીઠ અંબાજીમાં બે વર્ષ બાદ ભાદરવી પુનમનો મેળો ભરાશે. ભક્તો આ પુનમને ભરવા આતુરતાપૂર્વક થનગની રહ્યા છે. અંબાજી મંદિરે ભારે સંખ્યામાં ભક્તો ઉમટી પડશે એ બેમત છે. અંબાજી મંદિર ટ્રસ્ટ આ બાબતે તડમાર તૈયારીઓ કરી રહ્યું છે. શ્રધ્ધાળુઓમાં મોહનથાળના પ્રસાદની ભારે માંગ રહેતી હોય છે જેને પહોંચી વળવા પ્રસાદ માટેનું આગોતરૂ આયોજન કરી વ્યવસ્થા ગોઠવી છે.
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લાખો કિલોના પ્રમાણમાં પ્રસાદ બનાવાનું કામ રોજેરોજ શરૂ થઈ ગયું છે. મંદિર પ્રશાસન સુત્રોનું કહેવું છે કે, એક દિવસમાં અંદાજિત 200 ધાણમાં 3500 કિલો પ્રસાદ બનાવામાં આવે છે. સમગ્ર મેળા દરમિયાન 3 લાખ 60 હજાર કિલો પ્રસાદ બનાવાશે. જેમાં ત્રણ પ્રકારના 40 લાખ જેટલા પેકેટ તૈયાર કરાશે. આ તૈયારી માટે કારીગરો સાથે 400થી વધુ મજૂરો પેકીંગનું સતત કામ કરી રહ્યા છે. શુધ્ધ અને ગુણવતાસભર પ્રસાદ મળી રહે તે માટે ફૂડ અને ડ્રગ વિભાગ પણ ચકાસણી કરી રહ્યું છે.
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ પ્રસાદ બનાવવા માટે 175 હજાર કિલો ખાંડ, 100 હજાર કિલો ચણાનો લોટ, 7 હજાર શુધ્ધ ઘીના ડબ્બા તથા 200 કિલો ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવશે. વિતરણ વ્યવસ્થાની જો વાત કરીએ તો, યાત્રાધામમાં મોટી સંખ્યામાં યાત્રિકો તેમજ શ્રધ્ધાળુઓ આવતા હોવાથી પ્રસાદ વિતરણ માટે અલગ અલગ નવ જેટલા વધારાના સ્ટોલ પણ ઉભા કરવામાં આવશે. ફરાળી ચીકીના 3 લાખ જેટલા પ્રસાદના પેકેટની વ્યવસ્થા પણ આ સાથે ઉભી કરવામાં આવી છે.