વરસાદની મોસમ છે. ચટાકેદાર ખાવાનું મન કોને ન થાય, પરંતુ ઘરે બનાવવાની ઝંઝાળમાં આજે કોઈ જલ્દી પડતું નથી. ઓનલાઈન ઓર્ડરથી મનગમતું ફૂડ મંગાવી લેવું એ શહેરોમાં સામાન્ય બાબત છે. ઓનલાઈન ફૂડ ડિલિવરી સાઇટ્સ દ્વારા દરરોજ સેંકડો ઓર્ડર આપવામાં આવે છે. તમે આ સિસ્ટમને જો એટલી સરળ માનતા હોવ તો થોભી જજો. હવે આ ઓનલાઈન ઓર્ડર આપતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે. સાયબર ઠગોના પ્રતાપે ફૂડ ડિલિવરીના નામે બેંક ખાતા ખાલી થઈ રહ્યા છે.
મુંબઈનો આ કિસ્સો જાણવા જેવો છે જેમાં ડૉક્ટરને 25 સમોસા મંગાવવા માટે 1.5 લાખ રૂપિયા ચૂકવવા પડ્યા હતા. મુંબઈની KEM હોસ્પિટલના એક ડૉક્ટર તેના કેટલાક મિત્રો સાથે બહાર ફરવા ગયા હતા. આ બધા મિત્રોને સમોસા ખાવાનું મન થયું. તેમણે નેટ પરથી ફોન નંબર શોધ્યો અને ફોન કરીને 25 સમોસા અને અન્ય કેટલીક ખાદ્ય સામગ્રી મંગાવી. બિલ આવ્યું 1500 રૂપિયા. આ બિલ વોટ્સએપ પર મોકલવામાં આવ્યું હતું. આ વોટ્સએપ મેસેજ પર ડોક્ટરે બિલ પણ ઓનલાઈન ચૂકવ્યું. આ રેસ્ટોરન્ટે ડૉક્ટર પાસે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનું આઈડી માંગ્યું. તેમણે લિંકમાં જણાવ્યા મુજબ જ કર્યું, પરંતુ થોડીવારમાં તેમના ખાતામાંથી 3-4 વખત પૈસા કપાઈ ગયા. પહેલા 28000, પછી 10000, પછી કેટલાક વધુ. તેઓ સમજી શક્યા નહીં કે શું થઈ રહ્યું છે. માત્ર 1500 રૂપિયા ભરવાના હતા. જોતજોતામાં તો ડોક્ટરના ખાતામાંથી 1 લાખ 40 હજાર રૂપિયા ઉપડી ગયા. ડોક્ટરે સમોસા પાર્ટી છોડીને સીધું પોલીસમાં દોડવું પડ્યું. મુંબઈના ભોલવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ જાળને સમજવી ખૂબ જરૂરી છે. સાયબર ઠગોની યુક્તિમાં જો ડોક્ટર જેવી વ્યક્તિઓ પણ ફસાઈ શકે તો ઓછા જાણકાર વ્યક્તિની શું હાલત થાય એ કહેવું મુશ્કેલ નથી. અત્યારના સમયમાં ખોરાકના ઓનલાઈન ઓર્ડરમાં ખાસ્સો વધારો જોવા મળે છે. સાયબર ઠગો પણ એ જોઈને જ હવે રેસ્ટોરન્ટના નામે છટકાં ગોઠવ્યા લાગ્યા છે. હકીકતમાં થાય છે એવું કે, જ્યારે લોકો ફૂડ ઓર્ડર કરે છે, ત્યારે તેઓ ખાવાની વાનગીઓ પર વધુ ધ્યાન આપે છે અને રેસ્ટોરન્ટ વિશે જાણવાનું ભૂલી જાય છે. આ ઠગોએ ઇન્ટરનેટ પર આવી ઘણી નકલી સાઇટ્સ મૂકી છે જે તમારી રેસ્ટોરન્ટનું નામ તો બતાવશે, પરંતુ હકીકતમાં તો તે બદમાશોની બિછાવેલી જાળ હશે. જો તમે ઓર્ડર કરો છો, તો તેઓ તમને બિલ ઓનલાઈન ચૂકવવાનું કહેશે અને પછી તમને એક લિંક મળશે જે તેમણે તૈયાર કરી છે. જો તમે લિંક પર ક્લિક કર્યું છે તો સમજી લો કે તમે તેની જાળમાં ફસાઈ ગયા.
સાયબર નિષ્ણાંતો કહે છે, ફૂડ ઓર્ડર કરતા પહેલા આ સાવધાની રાખો
- વેબસાઇટની મુલાકાત લઈને ખોરાકનો ઓર્ડર આપવાનું ટાળો. એપ દ્વારા ઓનલાઈન કરવું એ જ યોગ્ય વિકલ્પ છે.
- જો કોઈ તમને પેમેન્ટ માટે લિંક મોકલે છે, તો તેના પર ક્યારેય ક્લિક ન કરો. એપની સિસ્ટમને અપનાવીને જ ઓનલાઈન પેમેન્ટ કરો.
- ઓર્ડર પછી જો તમને કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવે અને તે કોઈ વિગત માંગે તો બિલકુલ ન આપો.
- જો તમે વેબસાઇટ દ્વારા ઓર્ડર કરી રહ્યા છો, તો યોગ્ય રીતે તપાસો અને સંપૂર્ણ ખાત્રી બાદ જ ઓર્ડર આપો.