15મી ઓગસ્ટે ઓનલાઈન શોપિંગ માટે ઓફર્સનું ઘોડાપૂર આવ્યું છે. સ્વતંત્રતા દિવસના મોટા ડિસ્કાઉન્ટને કારણે લોકો પણ ઓનલાઈન શોપિંગ પર તૂટી પડ્યા છે. લોકોના આ મૂડને સમજીને કંપનીઓ ગ્રાહકોને રીઝવવા નવી નવી લોભામણી ઑફર્સ પણ આપી રહી છે. કેટલીક જગ્યાએ કોઈ વસ્તુની ખરીદી પર 50-70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે તો કેટલીક જગ્યાએ મોંઘા ઈલેક્ટ્રોનિક્સ સામાન ખરીદવા માટે શૂન્ય વ્યાજ દરે લોન આપવાની ઑફર આપવામાં આવી રહી છે.
રેડીમેઈડ ગારમેન્ટ્સ પર 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આવી કોઈપણ બમ્પર ઑફર પર ક્લિક કરતી વખતે ગ્રાહકોએ અત્યંત સાવચેત રહેવું જોઈએ. કારણ કે એવું બની શકે છે કે અસલ જેવી દેખાતી ઑફર એ ઠગાઈની લિંક હોય અને તેના પર ક્લિક કરીને બદમાશો તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકે. આ દિવસોમાં બદમાશોએ ગ્રાહકોને લૂંટવા માટે અવનવી પદ્ધતિઓનો ઉપયોગ શરૂ કર્યો છે.
અસલી અને નકલીની ઓળખ મુશ્કેલ બની ગઈ છે. ઘણી વખત વાસ્તવિક કંપનીના દેખાવ અને ડિઝાઇનની વેબસાઇટ પણ છેતરપિંડી કરવા માટે બનાવવામાં આવે છે. જેના પર ક્લિક કરતાની સાથે જ તમારી તમામ ગુપ્ત માહિતી બદમાશો સુધી પહોંચી જાય છે. 15 ઓગસ્ટ માટે, સાયબર સેલે ઑફર્સની વસંતઋતુમાં ઓનલાઈન શોપિંગ સંબંધિત કૌભાંડોને ટાળવા એક ચેતવણી પણ જારી કરી છે.
સાયબર સેલના અધિકારી સુત્રોનું ગુજરાત બ્રેકિંગના માધ્યમથી લોકોને કહેવું છે કે સ્વતંત્રતા દિવસ પર કોઈપણ કંપનીની ઑફર સ્વીકારતા પહેલા કંપનીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરવું જોઈએ. આ પછી પણ જો કોઈ શંકા હોય તો કંપનીની નજીકની બ્રાન્ચ અથવા શોરૂમની મુલાકાત લો અને ઓનલાઈન માર્કેટ માટે આપવામાં આવી રહેલી ઑફર્સ વિશે માહિતી મેળવો.