ન્યુયોર્ક સિટીના મિડટાઉન મેનહટન વિભાગમાં વિશ્વ-પ્રસિદ્ધ ટાઈમ્સ સ્ક્વેર બથુકમ્મા ઉત્સવોની યાદગાર ઉજવણીનું સાક્ષી બન્યું. તેલુગુ એસોસિયેશન ઓફ નોર્થ અમેરિકા (TANA) દ્વારા આયોજિત આ ઉજવણી સમગ્ર તેલુગુઓ માટે ગર્વની વાત હતી કેમકે એ તેલુગુ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમ વિશ્વ વિખ્યાત ટાઈમ્સ સ્ક્વેર પર અતિ ભવ્ય તેમજ પરંપરાગત રીતે યોજાયો હતો. 20-ફૂટ સોનેરી ‘ બથુકમ્મા ‘ અહીં સૌ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર હતું, તેની લાર્જર ધ લાઈફ ઓરા દર્શકોને મોહિત કરી રહી હતી.
ન્યુયોર્ક શહેરના મેયર એરિક એડમ્સ અને ન્યૂયોર્ક સિટીના ડેપ્યુટી કમિશનર દિલીપ ચૌહાણે આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતી નોંધાવી સમાજનો ઉત્સાહ વધાર્યો હતો. તેમની સાથે પુષ્પા ફેમ અભિનેત્રી અનસૂયા ભાર્ગવ તેમજ સિંગર મંગલીએ આ કાર્યક્રમમાં હજારો લોકો વચ્ચે હાજરી આપી હતી.
TANA ના પ્રમુખ અંજૈયા ચૌધરી લવુએ જણાવ્યું હતું કે આ ભવ્ય યાદગીરીનો શ્રેય TANA ના ભૂતપૂર્વ પ્રમુખ જય તલ્લુરીને જાય છે અને સિરિષા તુનુગુંટલા (TANA કલ્ચરલ સર્વિસીસ કોઓર્ડિનેટર) એ ઈવેન્ટને સફળતાપૂર્વક યોજી સમાજનું ગૌરવ વધાર્યું છે. જય તલ્લુરી અને ટીમે જ્યાં જાહેર ઈવેન્ટ યોજવાની પરવાનગી મેળવવી ખૂબ મુશ્કેલ હોય છે એ ટાઈમ્સ સ્ક્વેર ખાતે અદભૂત ઈવેન્ટ જે રીતે કરી બતાવી તે માટે સૌએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. આ સાંસ્કૃતિક ઉત્સવમાં અમેરિકન નાગરિકો પણ જોડાયા હતા અને બાથુકમ્મા લોકસંગીત પર નૃત્ય કર્યું હતું.
અભિનેત્રી અનસૂયા ભારદ્વાજ અને સિંગર મંગલીએ મંત્રમુગ્ધ કરી દેતું પરફોર્મન્સ રજૂ કર્યું હતું. કાર્યક્રમની સફળતાનો અંદાજ એ વાત પરથી મેળવી શકાય છે કે ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સ અભિનેત્રી અનસુયા અને ડેપ્યુટી કમિશનર દિલીપ ચૌહાણ આઇકોનિક “ઝુકેગા નહીં’ પોઝ પર હાથના હાવભાવ કરતા જોવા મળ્યા હતા.