હિજાબ પહેરવા અંગે શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. સ્થિતિ હવે હિંસા સુધી પહોંચી ગઈ છે. કર્ણાટકના શિવમોગામાં 23 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે. ઘટના બાદ અહીં તનાવની સ્થિતિ છે અને કલમ 144 લાગુ છે. મૃતક યુવકનું નામ હર્ષ છે અને તે બજરંગ દળનો કાર્યકર હતો. રાજ્યના ગૃહમંત્રી અરગા જનેન્દ્રએ બે દિવસ જિલ્લામાં શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 4 થી 5 યુવકોએ હર્ષની હત્યા કરી છે. આ ઘટના પાછળ હજુ સુધી કોઈ સંગઠનનું નામ બહાર આવ્યું નથી. હાલ શિવમોગા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં છે. આ ઘટના બાદ કેટલાક લોકોએ પ્રદર્શન પણ કર્યું છે. જિલ્લાના સીગેહટ્ટી વિસ્તારમાં લોકોએ કેટલાક વાહનોને આગ ચાંપી દીધી હતી, આ ઘટનાએ રાજ્યની રાજકીય ગરમી વધારી દીધી છે, હિજાબ વિવાદને કારણે પહેલેથી ઉકળાટ વધી ગયો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે મોડીરાત્રે યુવકની ચાકુ મારી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ તનાવ વધી ગયો હતો. શિવમોગા શહેરના ઘણા વિસ્તારોમાં તોફાનો થયા હતા અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, યુવકે થોડા દિવસો પહેલા ફેસબુક પર આને લગતી પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં તેણે હિજાબનો વિરોધ કર્યો હતો અને ભગવા ગમચાને સમર્થન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના ઉડુપીની કોલેજથી શરૂ થયેલો વિવાદ હવે આંતરરાષ્ટ્રીય રૂપ લઈ ચૂક્યો છે. તે જ સમયે, કર્ણાટકના કોપામાં સ્કારી સ્કૂલમાં, વિદ્યાર્થીઓએ કેસરી ગમછા પહેરીને હિજાબનો વિરોધ કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે શાળા પ્રશાસને કેસરી પહેરવાની પરવાનગી આપી હતી. બજરંગ દળ આ મામલે ખૂબ જ સક્રિય છે. બજરંગ દળના કર્ણાટકના કન્વીનર સુનીલ કેઆરએ તેને જેહાદ ગણાવ્યું હતું. આ સાથે જ બજરંગ દળના કાર્યકર્તાઓએ પણ અલગ-અલગ જગ્યાએ પ્રદર્શન કર્યું.
હિજાબ વિવાદ પહેલા રાજનીતિ સુધી પહોંચ્યો અને હવે બોલિવૂડમાં પણ તેની એન્ટ્રી થઈ ગઈ છે. ભૂતપૂર્વ અભિનેત્રી ઝાયરા વસીમે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વિશે પોસ્ટ કર્યું અને હિજાબનું સમર્થન કર્યું. તેણે લખ્યું કે આ માત્ર એક શોખ નથી પરંતુ અલ્લાહ દ્વારા આપવામાં આવેલી જવાબદારી છે જેને લોકોએ પૂરી કરવી પડશે. ઝાયરાએ કહ્યું, હું પણ એક મહિલા છું અને હિજાબ પહેરું છું. કોઈની ધાર્મિક પરંપરાઓ પર પ્રતિબંધ મૂકી શકાય નહીં.