દારૂની હોમ ડિલિવરી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. દારૂની હોમ ડિલિવરી રોકવા માટે મહારાષ્ટ્રના ગૃહ વિભાગે રાજ્ય આબકારી કમિશનરને પત્ર લખ્યો છે. ગૃહ વિભાગે કહ્યું છે કે લોકડાઉન દરમિયાન સામાજિક અંતર સુનિશ્ચિત કરવા દારૂની હોમ ડિલિવરીની સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. બાદમાં, કોરોનાવાયરસના કેસો ઘટ્યા પછી માર્ગદર્શિકા પાછી ખેંચી લેવામાં આવી છે. તેથી, દારૂની હોમ ડિલિવરીની આ સિસ્ટમ પાછી ખેંચી લેવામાં આવે છે. પત્રમાં આબકારી વિભાગને દારૂ ઉદ્યોગના તમામ હિતધારકોને માહિતી આપવા પણ કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, લગભગ બે વર્ષ પહેલા જ્યારે કોરોના વાયરસના ફેલાવાને રોકવા દેશમાં પહેલીવાર લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. પછી ઈમરજન્સી સિવાય બધુ જ બંધ થઈ ગયું. લોકો ઘરની બહાર પણ નીકળતા ન હતા. પરંતુ જ્યારે ધીમે-ધીમે કોવિડ-19ના કેસો ઘટવા લાગ્યા, તો ધીમે ધીમે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર બધું ખુલવા લાગ્યું. દેશના અન્ય રાજ્યોની જેમ મહારાષ્ટ્ર સરકારે પણ આવક ગુમાવવાનું કારણ આપીને દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપી હતી. આ પછી જ્યારે દારૂની દુકાનો ખુલી ત્યારે ભીડ એટલી વધી ગઈ કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ થયો. ત્યારબાદ રાજ્ય સરકારે દારૂની દુકાનો બંધ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ આર્થિક નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા લાગુ કરીને દારૂની ડોમ ડિલિવરી શરૂ કરી હતી. પરંતુ હવે કોરોનાના કેસ ઘણા ઓછા આવી રહ્યા છે, તેથી મહારાષ્ટ્ર સરકાર દારૂની હોમ ડિલિવરી બંધ કરવા માંગે છે. મહારાષ્ટ્રના ગૃહ વિભાગે આ સંબંધમાં રાજ્ય આબકારી કમિશનરને પત્ર લખ્યો છે કે હવે દારૂની હોમ ડિલિવરી નહીં થાય.