એનઆરઆઈ હોય કે સુરતના પોશ એરિયાની મહિલાઓ હોય.. આજના મોલ કલ્ચરમાં પણ સુરતના ચૌટાપુલમાં ખરીદીનો એક અલગ નશો હોય છે. સાંકડી ગલીઓમાં ભોંયરાઓમાં અંધારી દુકાનોમાંથી પણ ડર વગર મહિલાઓ ભાવતાલ કરીને વસ્તુઓ લેવાનો આનંદ મેળવતી હોય છે એ શહેરની ઓળખ સમા ચૌટા બજારમાં મહિલાઓની મશ્કરીઓ થવાની ફરિયાદો ઊભી થઈ રહી છે, કેટલાક તત્વો બેડ ટચ ઉપરાંત દ્વિઅર્થી શબ્દો અને બિભત્સ હરકતોથી મહિલાઓને કનડગત કરી રહ્યા હોવાની સંખ્યાબંધ ફરિયાદો બાદ વેપારી મંડળે કાયદેસરના પગલાં લેવાની ચીમકી આપતા બેનર લગાવવા પડ્યા છે. હકીકતમાં ચૌટાબજારની ભીડ અત્યારસુધી સાવ નિર્દોષ લાગતી હતી અને એ ભીડમાં સુરક્ષિત રહીને મહિલાઓ ખરીદી કરી શકતી હતી જે માહોલ હવે ખરાબ થતાં આ બેનર્સ લગાવવાની ફરજ પડી છે. પોલીસની નિષ્ક્રિયતા પણ આવા બેનર્સ મુકવા પડે તેમાં છતી થઈ રહી છે.
ચૌટા બજાર દાયકાઓથી મહિલાઓની ખરીદી માટેનું સૌથી પસંદગીનું બજાર છે. બહારગામથી આવતી મહિલાઓ પણ અહીંની મુલાકાત લેવાનું અચૂક પસંદ કરે છે. ચૌટા બજાર એ સુરતનું હાર્દ છે. અત્યાર સુધી સાંકડી ગલીઓમાં બિન્દાસ્ત કોઈપણ ભય વગર ખરીદી કરતી મહિલાઓ છેલ્લા કેટલાક સમયથી અહીં આવવાનું પસંદ હોવા છતાંય ખચકાટ અનુભવી રહી હતી હકીકતમાં કેટલાક નવા ઉમેરાયેલા તત્વોએ આ મહિલાઓ સાથે દ્વિઅર્થી શબ્દોથી બિભત્સ વર્તન કરી હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. વેપારી મંડળને આવતાં ઘટનાઓ રોકવા કડક ચેતવણી આપતાં બેનર્સ ઠેરઠેર લગાડવામાં આવ્યા છે.
ચૌટા બજારમાં વર્ષોથી વેપારીઓ તેમની રોજીરોટી માટે મહિલાઓમાં વિશ્વાસ કેળવાય અને ખરીદી કરવા વારંવાર આવે એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. જોકે થોડા સમયથી એ વાતાવરણ ડહોળાઈ ગયું છે અને ખાસ કેટલાક વિકૃત રીતે માનસિક વેપારીઓ મહિલાઓ પર ખરાબ નજર રાખતા હોય છે. મહિલાઓને જોઈને દ્વિઅર્થથી શબ્દ પ્રયોગ કરીને તેમની છેડતી પણ કરતા હોય છે. સ્થિતિ ગંભીર બની રહી હતી અને અમુક તત્વોને કારણે ખરેખર જે લોકોને કમાણી કરવી છે એ લોકો પર તેની અસર વર્તાવા લાગી હોવાથી તેઓની ફરિયાદને આધારે વેપારી મંડળ બેનર લગાવવા પડ્યા છે. બેનર્સની ચર્ચાઓ આજે શહેરભરમાં શરૂ થઈ છે, ખાસ કરીને એ મહિલાઓમાં જેમણે અહીં દાયકાઓની યાદો તીજોરીમાં સાચવી છે.
એ સમય બાદ હવે મહિલાઓને નિશાને લઈને શારીરિક છેડતી કરવી અથવા તો ગંદી કમેન્ટ પાસ કરતા તત્વોએ અહીં ભરડો છે. વેપારી મંડળે આ બાબતને પણ ધ્યાને લીધી છે. ચૌટાબજારમાં બેનરો લગાડીને મહિલાઓની મજાક મશ્કરી કરતા તત્વો સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે એવી ચિમકી આપવામાં આવી છે. પોલીસ અને વિસ્તારના કથિત આગેવાનોનું મૌન આ વિસ્તારમાં વાતાવરણ ડહોળી ગયું છે એવો ગણગણાટ ચૌટાબજારમાં વર્ષોથી ધંધો કરતાં વેપારીઓમાં જોવા મળી રહ્યો છે.