રશિયા અને યુક્રેન યુદ્ધના દોઢ વર્ષમાં તબાહી સિવાય કોઈ પરિણામો આવી શક્યા નથી એ વચ્ચે હવે રશિયાએ ગૃહ યુદ્ધનો સામનો કરવાના દિવસો આવી પહોંચ્યા છે. રશિયાની ખાનગી સેના વેગનર ગ્રૂપના ચીફ યેવજેની પ્રિગોઝિને બળવો પોકાર્યો છે. પ્રિગોઝિને રશિયન સંરક્ષણ મંત્રાલયના મુખ્ય મથક રોસ્ટોવ-ઓન-ડોન પર કબજો કરવા તેના લડવૈયાઓ મોકલવાનો હૂંકાર પણ ભરી લીધો છે. બળવા બાદ, રશિયા જાણે આ ઘટનાક્રમ અંગે પૂર્વ તૈયારીમાં જ હોય એ રીતે ઝડપભેર પ્રતિક્રિયા પ્રિગોઝિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. યેવજેની પ્રિગોઝિન, એક સમયે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના સૌથી ખાસમખસ હતો, હવે તેણે ખુલ્લેઆમ રશિયન નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા છે.
બળવાખોર યેવજેની પ્રિગોઝિનનો જન્મ 1961 માં લેનિનગ્રાડમાં થયો હતો. આજે દુનિયા એ લેનિનગ્રાડને સેન્ટ પીટર્સબર્ગ તરીકે જાણે છે. 1981 માં, યેવજેનીને હુમલા, લૂંટ અને છેતરપિંડીનો દોષી ઠેરવ્યા બાદ 13 વર્ષની જેલમાં ધકેલી દીધો હતો. જોકે થયું એવું કે, સોવિયત યુનિયનનું પતન થતાં જ યેવજેનીને સજાના 4 વર્ષ બાકી હતા ત્યારે જ મુક્ત કરી દેવાયો હતો.
જેલમાંથી બહાર આવ્યા બાદ, યેવજેનીએ એક નાનો વ્યવસાય શરૂ કરતાં હોટ ડોગ સ્ટેન્ડ બનાવ્યું. તેમાંથી કમાણી ઊભી થતાં તેણે એક રેસ્ટોરન્ટ ખોલ્યું. યેવજેની રેસ્ટોરન્ટ રાતોરાત પ્રખ્યાત થઈ ગઈ. યેવજેની રેસ્ટોરન્ટની લોકપ્રિયતા એ હદે વધી ગઈ કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન પોતાના વિદેશી મહેમાનોને આ રેસ્ટોરન્ટમાં ખાવા લઈ જતા. આ તકનો લાભ ઊઠાવી યેવજેની રશિયન રાષ્ટ્રપતિ પુતિનની નજીક આવ્યા.
પુતિન સાથેની આ મિત્રતાનો ઊઠાવી યેવજેની પ્રિગોઝિને કેટરિંગનો વ્યવસાય શરૂ કર્યો. તેણે રશિયન સૈન્ય અને શાળાના વિદ્યાર્થીઓને ખવડાવવા સરકારી કોન્ટ્રાક્ટ મેળવ્યા. યેવજેની હવે રશિયામાં પુતિનના રસોઈયા તરીકે ઓળખાવા લાગ્યો હતો. યેવજેની પ્રિગોઝિને કેટરિંગ બિઝનેસમાંથી અઢળક કમાણી કરી.
યેવજેની પ્રિગોઝિન અત્યંત મહત્વકાંક્ષી હતો એટલે એ ત્યાં જ અટકી ન ગયો અને હવે તેણે રશિયન સૈન્યના સમર્થન સાથે ખાનગી સૈન્યની રચના કરી. આ સૈન્યને વેગનર ગ્રુપ નામ આપવામાં આવ્યું. પોતાની ખાનગી સેનામાં નિવૃત્ત લશ્કરી અધિકારીઓ અને જવાનોનો તેણે સમાવેશ કર્યો. વેગનર ગ્રુપમાં વખતોવખત એવા તેના પર આક્ષેપો થયા કે તેમાં ખૂંખાર ગુનેગારોનો પણ સમાવેશ થતો હતો. જોકે પ્રિગોઝિનના સિતારાઓ બૂલંદી પર હતા અને વેગનર ગ્રુપને ક્રેમલિન તરફથી પણ ટેકો મળ્યો. વેગનર ગ્રુપે સીરિયા, લિબિયા, માલી અને મધ્ય આફ્રિકન દેશોમાં પણ ક્રૂર મિશન ચલાવ્યા હોવાનો પણ એકસમયે આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારે વેગનર ગ્રુપના લડવૈયાઓ મોરચા પર તૈનાત હતા. વેગનર ગ્રૂપના વધતા પ્રભાવને કારણે, રશિયાના ટોચના નેતૃત્વમાં યેવજેની પ્રિગોઝિનનો દબદબો પણ વધ્યો. લોકો પ્રિગોઝિનને પુતિનના અનુગામી તરીકે પણ જોઈ રહ્યા છે. ધારણા કરતાં લાંબા ખેંચાયેલા યુક્રેન યુદ્ધે જોકે હવે પરિસ્થિતિ બદલી નાખી છે. એકસમયનો અંગત સાથી પ્રિગોઝિન જ અચાનક પુતિનનો સૌથી મોટો ટીકાકાર બનવા લાગ્યો.
સત્તા અને મદમાં છકી જતાં પ્રિગોઝિને રશિયન સંરક્ષણ મંત્રાલય વિરુદ્ધ ઘણીવખત બેફામ જાહેર નિવેદનો આપ્યા છે અને હવે હિમ્મત એ હદે વધી ગઈ કે તેણે વિદ્રોહનું બ્યુગલ ફૂંકીને પ્રિગોઝિને પુતિનની અને રશિયાની મુશ્કેલીઓ વધારી દીધી છે.