સુરત ખાતે તાજેતરમાં જ ધારાસભ્ય કુમાર કાનાણી એ ટીઆરબી જવાનને ખખડાવી નાખ્યો હોવાનો વીડિયો ભારે વાયરલ થયો હતો. આ પ્રકરણમાં સોશિયલ મીડિયા પર અનેક મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી હતી. કેટલાકને એ જરૂરી લાગ્યું હતું તો કેટલાકે એ ગેરકાનુની અને અમાનવીય લેખાવી કોમેન્ટ્સનો મારો ચલાવ્યો હતો. હવે આ પ્રકરણમાં સુરતના એક યુવક જયેશ ગુર્જરે ધારાસભ્ય કુમાર કાનાણી વિરુદ્ધ ટ્રાફિક DCPને અરજી કરી છે.
તમને જણાવી દઇએ કે, સુરત શહેરમાં થોડા દિવસ પૂર્વે વરાછા વિધાનસભાના ધારાસભ્ય ઘરેથી નીકળ્યા એ સમયે માનગઢ ચોક પહોંચતા તેમને ટ્રાફિક નડ્યો હતો. તેમણે નોંધ્યું કે, ટ્રાફિક નિયમન કરવા માટે ટીઆરબી જવાન ઉપસ્થિત ન હોવાથી આ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી..
ધારાસભ્ય કાનાણીએ આસપાસ નજર ફેરવતા એક ખૂણે ટીઆરબી જવાન મોબાઈલમાં ગેમ રમતો નજરે પડ્યો હતો. ધારાસભ્યએ એ જોઈ પીત્તો ગુમાવતાં એ ટીઆરબી જવાનને ઉધડો લઈ નાખ્યો હતો. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈને રાતોરાત વાયરલ થઈ.
ધારાસભ્ય અને ટીઆરબી જવાન વચ્ચેના આ વીડિયો વાયરલ થયા બાદ હવે શહેરના એક સામાજિક કાર્યકર યુવક જયેશ ગુર્જરે ધારાસભ્ય કુમાર કાનાણી વિરુદ્ધ ટ્રાફિક DCP ને અરજી કરવામાં આવી છે.
અરજીમાં જણાવ્યા અનુસાર, જે સમયે ધારાસભ્ય રસ્તા વચ્ચે જાહેરમાં માથાકૂટ કરી રહ્યા છે તે દરમિયાન તેમણે હેલ્મેટ ન પહેર્યું હોવાથી તેમને એ સબબ યોગ્ય દંડ ફટકારવામાં આવે. આ ઘટનામાં જોઈ શકાય છે એમ ટીઆરબી જવાનને માર મારવાની ધમકી આપવામાં આવી રહી છે તો એ બાબતે પણ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ.
અરજી બાબતે જ્યારે ધારાસભ્ય કુમાર કાનાણીનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે તે સમયે જે યોગ્ય હતું કે કરવું જરૂરી છે એ મેં કર્યું છે તેમ છતાં જો મારા પર અરજી થઈ હોય તો પોલીસની કામગીરીમાં હું સહકાર આપીશ.