અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી પ્રથમ બૂલેટ ટ્રેનના પ્રોજેક્ટનું કામ ગતિમાં જ છે ત્યારે આ પ્રોજેક્ટ હેઠળ 21 કિ.મી. લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ પણ બનાવવામાં આવી છે. જે માટેના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે અને આવતા વર્ષથી તેનું કામ શરુ થઇ જવાની સંભાવના છે.
ભારતની સૌથી લાંબી અંડર-સી ટનલ હશે. બુલેટ ટ્રેન 21 કિલોમીટર લાંબી અંડરગ્રાઉન્ડ ટનલમાંથી દોડશે. તેમાંથી સાત કિલોમીટર દરિયાની અંદર ટનલ હશે. આ અંડર ગ્રાઉન્ડ ટનલ મહારાષ્ટ્રમાં બાંદ્રા-કુર્લા કોમ્પલેકસ તથા શવફાટા વચ્ચે બનશે તેમાં એક જ સુરંગ હશે અને અપ-ડાઉન બન્ને ટ્રેક સમાવી લેવાશે. દરિયાની અંદર બનનારી આ ટનલ ગ્રાઉન્ડ લેવલથી 25 થી 65 મીટર નીચે હશે.
રેલવે મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે બુલેટ ટ્રેન માટે બનનારી 21 કિલોમીટર લાંબી અંડર ગ્રાઉન્ડ ટનલ એડવાન્સ મશીનના ઉપયોગથી બનાવવામાં આવશે તેમાં નવી ઓસ્ટ્રેલીયન ટનલીંગ પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે.ટનલ બોરીંગ મશીન દ્વારા 15 કિલોમીટરનો હિસ્સો બનાવવામાં આવશે જ્યારે ઓસ્ટ્રેલિયન પધ્ધતિથી પાંચ કિલોમીટરની ટનલ તૈયાર થશે.
નેશનલ હાઈસ્પીડ રેલવે કોર્પોરેશન દ્વારા 21 કિ.મી. લાંબી અંડર ગ્રાઉન્ડ ટનલ માટેનાં ટેન્ડર જારી કરવામાં આવ્યા છે. 3.5 વર્ષમાં કાર્ય પૂર્ણ કરવાની મહેતલ આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે નવેમ્બરમાં પણ અંડર ગ્રાઉન્ડ ટનલ નિર્માણનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું તે પછી રદ કરી દેવાયું હતું. વહીવટી કારણોસર રદ થયાનું જાહેર કરાયું હતું. 2019માં પણ ટેન્ડર પ્રક્રિયા થઇ હતી પરંતુ કોઇ કંપનીઓએ રસ દાખવ્યો ન હતો.