ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ ભાજપ લોકો પાસે અભિપ્રાય મેળવીને તેના આધારે ‘સંકલ્પ પત્ર’ (ચૂંટણી ઢંઢેરો) જાહેર કરશે. ગાંધીનગરમાં ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આજે ગાંધીનગરમાં ‘અગ્રેસર ગુજરાત’કેમ્પેન લોન્ચ કર્યું છે. આ કેમ્પેન હેઠળ તા. 15મી સુધી ગુજરાતના લોકો પાસે ભાજપ સૂચન માગશે. આ માટે ઠેકઠેકાણે સૂચન પેટીઓ મુકવામાં આવશે એટલું જ નહીં, મોબાઈલ નંબર 78781 82182 તેમજ આ વેબસાઈટ www.agresargujarat.com પર પણ સૂચનો આપી શકાશે. લોકો થકી જે સૂચનો મળશે તેનો આધાર લઈ વિધાનસભા ચૂંટણીનો ચૂંટણી ઢંઢેરો તૈયાર થશે. ઉમેદવારી સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ આ સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવશે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું કે વિશ્વાસ છે કે, આ વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતની જનતા ભાજપને ઐતિહાસિક વિજય અપાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં આજે ગુજરાત દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે અને ગુજરાતની જનતાનું સ્વપ્ન પુરુ કરવા ભાજપ સતત પ્રયત્નશીલ છે. પક્ષની સરકારે જે વચનો આપ્યા હતા તેમાથી મોટાભાગના પૂર્ણ કરવામાં આવ્યા છે અને જે બાકી રહે છે તે સંકલ્પ પુરો કરવાના પ્રયાસ ચાલુ છે અને જનતાની જે અપેક્ષા હશે તેને પણ ભાજપ નવા સંકલ્પ પત્રમાં સમાવીને અમે તે પૂર્ણ કરવા પ્રતિબધ્ધ થઈશું. તેમણે જણાવ્યું કે, પ્રજાનો સૂચનો અમારા માટે ખુબ જ મહત્વના અને સર્વોપરી છે
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આજે ‘અગ્રેસર ગુજરાત’ કેમ્પેઇન લોન્ચ કર્યું છે હવે પક્ષના કાર્યકર્તાઓ દરેક મત વિસ્તારમાં ઘરે-ઘરે પહોંચીને લોકો પાસેથી સૂચનો માગશે. આ ઉપરાંત દરેક તાલુકા મંડળ, જાહેર સ્થળો પર છેક ગ્રામ પંચાયત સુધી ખાસ સૂચન પેટી તૈયાર કરાઈ છે તે મૂકાશે અને તેમાં લોકોને સૂચનો આપવા માટે આમંત્રિત કરવામાં આવશે. તમામ સૂચનો ગાંધીનગર ખાતેની પક્ષની સંકલ્પ પત્ર કમિટીને અપાશે આ ઉપરાંત પત્રવ્યવહાર દ્વારા પણ ગુજરાતની જનતા ગાંધીનગરમાં ભાજપના વડા મથક ‘કમલમ’ પર સૂચનો મોકલી શકશે.
ભાજપ દ્વારા લોન્ચ અગ્રેસર ગુજરાત કેમ્પેઇનની વિગતો આપવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પત્રકાર પરિષદ દરમ્યાન ભાજપના સિનીયર નેતા અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે મંત્રીમંડળમાં આરોગ્ય મંત્રી રહી ચૂકેલ જયનારાયણ વ્યાસે આજે પાર્ટીના સભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું તે અંગે પ્રશ્ન પૂછાતાં જવાબમાં સી.આર.પાટીલે જણાવ્યું કે જયનારાયણ વ્યાસ ભાજપના વરિષ્ઠ નેતા રહી ચૂકયા છે, બે વખત ટીકીટ આપીને કેબીનેટ મંત્રી બનાવ્યા અને છેલ્લા 20 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા હતા પરંતુ 7પ વર્ષ પછી ભાજપમાં ટીકીટ આપવામાં નહીં આવે તેવો આ વખતે પાર્ટીએ નિયમ કર્યો છે જેમાં તેઓ બાકાત રહી જતાં તેમણે રાજીનામુ આપ્યું હશે અને પાર્ટીએ આ સ્વીકાર્યુ પણ છે.
સી.આર.પાટીલે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર અંગે પૂછાયેલા પ્રશ્ન અંગે નેતા કે તેના સગાસંબંધીઓને આ વખતે ટીકીટ નહી આપે. પૂર્વ મંત્રી, ધારાસભ્ય, સાંસદના સગાસંબંધી કે પરિવારજનોને ભાજપ ટીકીટ નહીં આપે તેવી જાહેરાત કરી છે. આ બંને નિયમોથી અનેક દાવેદારો જેઓએ નિરીક્ષકોની સમક્ષ પોતાને ચૂંટણી લડવી છે તેવી ઇચ્છા વ્યકત કરી હતી તેઓ હવે નહીં લડી શકે.