ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની Vivo બાદ હવે Oppo પર ભારતમાં ટેક્સ ચોરીનો આરોપ લાગ્યો છે. કેન્દ્રીય નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ Oppo Mobiles India Pvt Ltd દ્વારા આશરે રૂ. 4,389 કરોડની કસ્ટમ ડ્યુટીની ચોરી શોધી કાઢી છે.
સરકાર દ્વારા જારી એક સત્તાવાર નિવેદન અનુસાર, “તપાસ દરમિયાન, DRIએ Oppo Indiaની ઓફિસ, કેમ્પસની તપાસ કરી. આ સિવાય મેનેજમેન્ટના લોકોના ઘરો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, Oppo India દ્વારા આયાત કરવામાં આવેલી કેટલીક વસ્તુઓના વર્ણનમાં જાણીજોઈને ખોટી રજૂઆતના પુરાવા મળ્યા છે.
નિવેદન અનુસાર, આ ખોટી માહિતીના કારણે ઓપ્પો ઇન્ડિયાએ 2,981 કરોડ રૂપિયાનો ગેરકાયદેસર ફાયદો ઉઠાવ્યો છે. આ ઉપરાંત ઓપ્પો ઈન્ડિયાના વરિષ્ઠ મેનેજમેન્ટ સ્ટાફ અને સ્થાનિક સપ્લાયર્સ પાસેથી પણ પૂછપરછ કરવામાં આવી છે. આમાંથી કેટલાક લોકોએ તેમના નિવેદનમાં કસ્ટમ અધિકારીઓને આયાત વિશે ખોટી માહિતી આપી હોવાનું સ્વીકાર્યું છે.
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ઓપ્પો ઈન્ડિયા ચીનમાં બહુરાષ્ટ્રીય કંપનીઓને ચૂકવવામાં આવતી ‘રોયલ્ટી’ અને ‘લાઈસન્સ ફી’ને તેમના દ્વારા આયાત કરવામાં આવેલા માલના વ્યવહાર મૂલ્યમાં ઉમેરી રહી નથી. આ કસ્ટમ્સ એક્ટ, 1962ની કલમ 14નું ઉલ્લંઘન છે. જેના કારણે Oppo India દ્વારા 1,408 કરોડ રૂપિયાની કરચોરી કરવામાં આવી હતી.
તપાસ પૂર્ણ થયા બાદ, Oppo Indiaને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે, જેમાં કુલ રૂ. 4,389 કરોડની કસ્ટમ ડ્યુટીની માંગણી કરવામાં આવી છે. નોટિસમાં ઓપ્પો ઈન્ડિયા, કંપનીના કર્મચારીઓ, ઓપ્પો ચાઈના પર કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ જરૂરી દંડ લાદવાનો પણ પ્રસ્તાવ છે.
તમને જણાવી દઈએ કે આ Oppo મોબાઈલ ટેલિકોમ કોર્પોરેશન લિમિટેડની સબસિડિયરી કંપની છે. તેનું મુખ્ય મથક અને મુખ્ય વ્યવસાય ચીનના ગુઆંગડોંગમાં છે. Oppo India ભારતમાં ઉત્પાદન, એસેમ્બલીંગ, જથ્થાબંધ વેપાર, મોબાઈલ હેન્ડસેટ અને એસેસરીઝના વિતરણના વ્યવસાયમાં રોકાયેલ છે. આ કંપની ભારતમાં Oppo, OnePlus અને Realme જેવા સ્માર્ટફોનની બ્રાન્ડ્સ હેઠળ વેચાણ કરે છે.
તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ચીની સ્માર્ટફોન કંપની Vivoની કરચોરી પકડી છે. ED અનુસાર, Vivoએ ટેક્સથી બચવા માટે 62,476 કરોડ રૂપિયા ચીન મોકલ્યા હતા. તે કંપનીના લગભગ અડધા બિઝનેસનો હિસ્સો ધરાવે છે.