રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગ કાંડના મામલે મોટા પડઘા પડ્યા છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવામાં આવી છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝા ની વરણી કરાઈ છે. આ પહેલા રાજકોટમાં સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડની દુર્ઘટનામાં 28 જિંદગીઓ હોમાઈ ગઈ છે.
રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે હાલ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથિરિટી(AUDA)ના સીઇઓ અને ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની વધારાનો હવાલો સંભાળી રહેલા ડી.પી. દેસાઈની નિમણૂક કરવામાં આવી છે.
રાજકોટના નવા પોલીસ કમિશનરે રાતોરાત ચાર્જ સંભાળ્યો
રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ ગુજરાત સરકારે મોટી કાર્યવાહી કરી છે. જેમાં રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની તાત્કાલિક બદલી કરી દેવાઈ છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશ કુમાર ઝા અને નવા મનપા કમિશનર તરીકે ડીપી દેસાઈની નિમણૂંક કરાઈ છે. નવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ રાતોરાત ચાર્જ સંભાળી લીધો છે.
સાથે જ સૂત્રો એવું કહી રહ્યા છે કે રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જોઈન્ટ પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ડીસીપી ઝોન-2 સુધીર દેસાઈ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલને પણ કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડે તેવી સંભાવના છે. હાલ તો આ ત્રણ આઈપીએસ અને એક આઈએએસ અધિકારીને કોઇ જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી એટલે કે જ્યાં સુધી નવો ઓર્ડર ન થાય ત્યાં સુધી ચારેય ક્લાસ-1 અધિકારીઓને ઘેર બેસવું પડશે અને એક ડર સાથે સમય વિતાવવો પડશે કે હવે તેના પર કઈ પ્રકારના અને કેવા પગલાં આવશે.
રાજકોટના તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ બાદ રાજુ ભાર્ગવની પણ અચાનક જ બદલી થતા અનેકવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. મનોજ અગ્રવાલ પર લાંચના અનેક આરોપો લાગ્યા હતા અને તેઓ કેવી રીતે, કઈ કક્ષાએ જઈને અને કેવી ચાપલૂસી કરીને રાજકોટની કાયદો વ્યવસ્થા સંયમમાં હોવાની ગુલબાંગો ફેંકતા હતા તેનું સ્પષ્ટીકરણ થઈ જતા તેઓને જૂનાગઢ પીટીસીમાં ફેંકી દેવાયા હતા. ત્યારે રાજકોટના લોકોને એક એવી આશા હતી કે હવે રાજકોટને એક સારા પોલીસ કમિશનર મળશે પરંતુ આ વાત પણ ઠગારી નિવડી.