રાષ્ટ્રીય મહિલા આયોગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ નોટિસ ફટકારી છે. ઈટાલિયાને આપવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તમે જે અપશબ્દોનો ઉપયોગ કર્યો છે તેનાથી આપણા દેશની મહિલાઓનું અપમાન થયું છે. મહિલા આયોગે AAP નેતા દ્વારા ઉપયોગમાં લેવાતા લિંગ ભેદભાવ અને મહિલા વિરોધી ભાષાની સખત નિંદા કરી છે.
રાષ્ટ્રીય મહિલા આયોગે 13 ઓક્ટોબરે બપોરે 12.30 વાગ્યે આ મામલે સુનાવણી માટે ઈટાલિયાને બોલાવી છે. સમન્સની અવગણના કરવા બદલ ઇટાલિયા સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ ઈટાલિયાની ભાષા પર પ્રહારો કર્યા છે. બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ ટ્વીટ કર્યું કે, “કેજરીવાલનો જમણો હાથ અને આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા કેજરીવાલના સ્તરે ઝૂકી ગયા છે. PM મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કરીને ગુજરાતના ગૌરવ અને ધરતી પુત્રને ઠેસ પહોંચાડવી એ દરેક ગુજરાતીનું અપમાન છે જેણે તેમને અને ભાજપને 27 વર્ષથી મત આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઈટાલિયા કહેતા સંભળાય છે, ‘એવું કહેવામાં આવી રહ્યું છે કે આપણા પીએમ નરેન્દ્ર મોદી ‘નીચ’ વ્યક્તિ છે, હું તેની પુષ્ટિ કરતો નથી. પરંતુ અહીં ચૂંટણી ચાલી રહી છે, હું દરેક પાસેથી જાણવા માંગુ છું કે શું ભૂતકાળમાં કોઈ PMએ વોટ માટે આવું ડ્રામા કર્યું છે. આવી ‘નીચ’ વ્યક્તિ અહીં રોડ શો કરી રહી છે. આ સાથે અન્ય અનેક વાંધાજનક શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વીડિયો 2019નો જણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં ઈટાલિયાએ ઘણી વખત શબ્દ મર્યાદા ઓળંગી છે.