દર વર્ષે ગણેશ ઉત્સવ ભાદરવા સુદ શુક્લ ચતુર્થી તિથિથી શરૂ થાય છે. દશ દિવસ શ્રીજીની ભાવપૂર્વક ભક્તિ બાદ અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાની વિદાય સાથે આ ઉત્સવ પૂર્ણ થાય છે. આ 10 દિવસ લાંબો ફેસ્ટિવલ આ વર્ષે 19 સપ્ટેમ્બર મંગળવારથી શરૂ થયો છે. આ દિવસે અમે તમને એક એવા મંદિરની જાણકારી આપીશું જ્યાં ભગવાનની માનવ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે.
તમિલનાડુના તિરુવરુર જિલ્લામાં ભગવાન ગણેશનું એક મંદિર છે જે પોતાની વિશેષતા માટે જ નહીં સાથોસાથ પૌરાણિક કથાઓ માટે પણ લોકોની અતૂટ આસ્થાનું પ્રતિક છે. અહીં ગણપતિજી માનવ સ્વરૂપમાં બિરાજમાન છે.
હિન્દૂ શાસ્ત્રોમાં વર્ણિત કથાઓ મુજબ ભગવાન શંકરે એકવાર ક્રોધિત થઈ ભગવાન ગણેશની ગરદન ધડથી અલગ કરી નાખી હતી. ભગવાન શ્રી ગણેશને ત્યારબાદ ગજનું મુખ અર્પણ કરવામાં આવ્યું હતું. દરેક મંદિરોમાં ભગવાન ગણેશની ગજ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે, પરંતુ આદિ વિનાયક મંદિરમાં માનવ ચહેરાવાળા ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત છે. ગજ મુખ ધારણ થયું એ પૂર્વે, ભગવાનનો માનવ ચહેરો હતો, તેથી વિનાયક મંદિરમાં તેમની આ સ્વરૂપે પૂજા થાય છે.
આ મંદિરની એ વિશેષતા સાથે જ પોતાનું ધાર્મિક અપાર મહત્વ છે. ભગવાન રામે તેમના પૂર્વજોની આત્માની શાંતિ માટે અહીં આદિ વિનાયક મંદિરમાં ભગવાન ગણેશની પૂજા કરી હતી. એ તથ્યને ધ્યાનમાં રાખી આ મંદિરમાં પૂર્વજોની આત્માની શાંતિ માટે પૂજા કરવામાં લોકો શ્રદ્ધા ધરાવે છે. આ મંદિર તિલતર્પણપુરીના નામથી પણ જાણીતું છે. લોકો પૂર્વજોની શાંતિ માટે નદી કિનારે પ્રાર્થના કરે છે, અને પિતૃઓ માટેની ધાર્મિક વિધિ મંદિરમાં કરવામાં આવે છે. તિલાતર્પણ એટલે પૂર્વજોને સમર્પિત શહેર. આદિ વિનાયક મંદિરમાં ગણેશની સાથે ભગવાન શિવ અને સરસ્વતી માતાની પણ પૂજા કરવામાં આવે છે.
દંતકથાઓ અનુસાર, જ્યારે ભગવાન રામ તેમના પૂર્વજોની આત્માઓની શાંતિ માટે પૂજા કરી રહ્યા હતા ત્યારે ત્યાં મૂકેલા ચોખાના લાડુ જંતુઓમાં ફેરવાઈ ગયા હતા. જ્યારે ભગવાન રામે આ જોયું તો તેઓ ચિંતિત થયા અને આમ કેમ થયું એ વિચારવા લાગ્યા. છેવટે ભગવાન રામે ભગવાન શિવ પાસેથી ઉપાય માંગ્યો, તો ભગવાન શંકરે તેમને આદિ વિનાયક મંદિરમાં યોગ્ય રીતે પૂજા કરવાની સલાહ આપી. આ પછી ભગવાન રામે પૂર્વજોની આત્માની શાંતિ માટે પૂજા કરી હતી. એવું માનવામાં આવે છે કે પૂજા દરમિયાન ચોખાના ચાર ગઠ્ઠા શિવલિંગ બન્યા હતા. આ ચારેય શિવલિંગ આદિ વિનાયક મંદિર પાસેના મુક્તેશ્વર મંદિરમાં છે, જેની લોકો ભાવપૂર્વક પૂજા કરે છે.