પાટણના સરસ્વતી તાલુકામાં હચમચાવી નાખતા અકસ્માતની ઘટના સામે આવી છે. માતાજીના પ્રસંગમાં સુરતથી પોતાના વતનમાં જઈ રહેલો પરિવાર પોતાના ગામ પહોંચે તે પહેલા જ કાલનો કોળિયો બની ગયો હોવાની ઘટના સામે આવી છે. કાર આડે નીલ ગાય આવી જતાં ડ્રાઈવર નીલ ગાયને બચાવવા જતાં કાર ઝાડમાં ઘૂસી ગઈ હતી. જેથી કિયા કારનો ભુક્કો બોલી ગયો હતો. ઝાડ સાથે કાર એટલી ધડાકાભેર અથડાઈ હતી કે, ટ્રેક્ટર વડે કારને ઝાડથી અલગ કરી બહાર કાઢવામાં આવી હતી. આ અકસ્માતમાં 6 લોકોને ઈજા પહોંચી હતી. જેમાંથી બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે એકની હાલત ગંભીર છે. ત્યારે ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હોય તેવી ઘટના બનતા લોકો ભારે શોકમાં ગરકાવ થયા છે.
ડ્રાઈવરે સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ
પાટણના સરસ્વતી તાલુકાના ગણેશપુરા ગામના વતની હાલ સુરત ખાતે રહેતો દેસાઈ પરિવાર રવિવારે આશરે રાત્રે 2.00 વાગ્યાની આસપાસ પોતાના વતન માતાજીના પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યો હતો, તેદરમિયાન વાગડોદથી વાદાની નજીક રોડ ઉપર નીલગાય આડી ઊતરતા તેને બચાવવા જતા ડ્રાઈવરે સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દેતા ગાડી ચોકડીઓમાં બાવળના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ગાડીમાં બેઠેલા પરિવારના છ સભ્યોને ઈજા પહોંચી હતી. જેમાં એક બાળક અને એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ઈજાગ્રસ્ત 4 લોકોમાંથી એકની હાલત ગંભીર છે.
પરિવાર શોકમાં ગરકાવ
આ અકસ્માતમાં પાંચ વર્ષના મોહિતકુમાર મહેશભાઈ દેસાઈનું અને 65 વર્ષીય ઈશાબહેન જીવાભાઇ દેસાઈનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે ચેતનાબેન રાજુભાઈ દેસાઈને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે. આ બનાવને પગલે સમાજના લોકો મોટી સંખ્યામાં પાટણ સિવિલ હોસ્પિટલમાં એકઠા થયા હતા અને આ ઘટનાના પગલે પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થયો છે.
નીલ ગાયને બચાવવા જતા અકસ્માત
રાત્રે આશરે બે વાગ્યે આસપાસ સરસ્વતી તાલુકાના વગદોડથી વદાણી તરફના રોડના વળાંકમાં નીલગાય વચ્ચે આવતા કારચાલક રાજુભાઇ જીવાભાઈ રબારીએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર બાવળના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી કિયા કારનો ભુક્કો બોલી ગયો હતો. આ અકસ્માતમાં ગાડીમાં સવાર 6 લોકોને ઈજા પહોંચી હતી. જેમાં બે લોકોના મોત થયા છે. અકસ્માતની જાણ બાજુમાં આવેલા રામદેવપીર આશ્રમમાં રહેતા સ્વંયમ સેવકોને થતાં તેઓ દોડી આવ્યા હતા. તેમજ ગાડી ઉપર રબારી સમાજ લખેલ હોવાની જાણ થતાં રબારી સમાજના લોકોને તેઓએ જાણ કરી હતી. જેથી સમાજના લોકો પણ તાત્કાલિક દોડી આવ્યા હતા.