3 વર્ષ અગાઉ પાંડેસરામાં 11 વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારી માતા-પુત્રીની હત્યા કરવાના અત્યંત ધૃણાસ્પદ ડબલ મર્ડર કેસમાં કોર્ટે મુખ્ય આરોપી સહિત બેને અદાલતે દોષી ઠેરવી આજે સજા ફટકારી છે. આ કેસના મુખ્ય આરોપી હર્ષસહાય ગુર્જરને ફાંસી તેમજ સહઆરોપી હરિઓમ ગુર્જરને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સરકાર પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પી.એન.પરમારે દલીલો કરી હતી.
કેસની વિગત મુજબ 2018ની 6 એપ્રિલે ભેસ્તાન સાઇ ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે 11 વર્ષની બાળકીની લાશ મળી આવી હતી. આ માસુમ બાળા પર બળાત્કાર થયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. કેસમાં કોઈ નક્કર કડી મળે એ પૂર્વે ઘટનામાં 6 દિવસ બાદ સચિન-મગદલ્લા હાઇવે પર એક મહિલાની લાશ મળી હતી. આ મહિલાની ફાંસો આપી હત્યા થઈ હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
બંને કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી. ડીએનએ ટેસ્ટ કરાતાં મૃતક બંને માતા-પુત્રી હોવાનું બહાર આવ્યું હતું. કારના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જર અને હરિઓમ હીરાલાલ ગુર્જરની ધરપકડ કરી હતી. કોર્ટમાં બંને કેસ સાથે જ ચલાવવાની અરજી મંજૂર રહેતા 4 માર્ચે કોર્ટમાં બંન્ને આરોપીઓને કસુરવાર ઠેરવવામાં આવ્યા હતા.
આરોપી હર્ષસહાય માતા-દીકરીને રાજસ્થાનથી સુરત લાવ્યો હતો અને બંનેને પરવત પાટિયા પર રાખવાની વ્યવસ્થા કરી હતી. ઘટના સમયે આરોપીએ માતાને માર મારી ચાલુ કારમાં દીકરીની નજર સામે જ દુપટ્ટા વડે ગળા ટૂંપો આપી માતાની હત્યા કરી નાંખી હતી. બાળકી સાથે ધૃણાસ્પદ રીતે ગુપ્તાગમાં લાકડી નાંખી તેની પણ હત્યા કરી નાંખી હતી. બાળકીના શરીર પર 78 જેટલી ઇજાઓ મળી આવી હતી. પૂરાવાનો નાશ કરવા માતા અને બાળકીની લાશ અલગ-અલગ સ્થળે ફેંકી દેવાઈ હતી.
સમગ્ર કેસમાં જે તે સમયે પોલીસને આરોપી સામેના પૂરાવા એકત્રિત કરવામાં ભારે જહેમત ઊઠાવવી પડી હતી. પોલીસ માટે કેસ ધારવા જેટલો સરળ ન હતો કેમકે, શરૂઆતમાં બંનેમૃતકો માતા-દીકરી છે એ પણ ખબર ન હતી. બંન્ને લાશ જુદા-જુદા સ્થળ ફેંકી હતી. બાદમાં ડીએનએ ટેસ્ટ બાદ તેની અંગેની પૃષ્ટિ કરાઈ હતી. પડકારરૂપ આ કેસમાં નરાધમે બાળકી પર બળાત્કાર પણ ગુજાર્યો હતો અને દીકરીની સામે માતાની હત્યા કર્યા બાદ બાળકીના ગુપ્તાંગમાં લાકડી નાંખી મોતને ઘાટ ઉતારી હતી.