તમો એક પળમાં જિંદગીનું સંભારણું છોડી ગયા,
જિંદગી હતી ટૂંકી પણ લાગણીઓ અપાર મૂકી ગયા,
સ્તબ્ધ થઈ જિંદગી માત પિતાની તમારા વગર,
પરમ કૃપાળુ પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના
રાજકોટની TRP ગેમ ઝોન માં જે દુર્ઘટના ઘટી અને માસુમ બાળકોનો જે ભોગ લેવાયો એ ઘટના આપણને સૌને ઘણા બધા મનોમંથનોના વમળો તરફ લઈ જાય છે. અત્યાર સુધી એવી ઘણી ઘટનાઓ ઘટી ચૂકી છે જેમ કે તક્ષશિલા કાંડ હોય, મોરબીના બ્રિજની ઘટના હોય, હરણીની બોટની ઘટના હોય,,, પરંતુ આ બધી ઘટનાઓ આપણને યાદ ક્યારે આવે છે? જ્યારે ફરી નવી કોઈ આવી દુર્ઘટનાઓ ઘટે છે ત્યારે જ. ભૂતકાળમાં થઈ ગયેલી દુર્ઘટનાઓને આપણે યાદ કરીએ છીએ અને થોડા દિવસ એને તાજી રાખીએ છીએ .
એમ ગઈકાલની રાજકોટની બનેલી ઘટના પણ બે-ચાર દિવસના હલ્લા બોલ પછી ફરી ભૂલી જવાશે પરંતુ આ દુર્ઘટના માંથી આપણે કોઈપણ કશું પણ શીખીશું તો નહીં જ.. જરૂરી નથી કે આપણી સાથે બનતી ઘટનામાંથી જ આપણે શીખીએ .. આપણી આસપાસ બનતી સામૂહિક ઘટનાઓમાંથી પણ સામાન્ય માનવીએ જાગૃત થવું જરૂરી છે અને એમાંથી શીખવું પણ જરૂરી છે નહીં તો આપણે આ રીતે આપણા પ્રિયજનોને ગુમાવતા રહીશું, અફસોસ કરતા રહીશું, તંત્રનો વાંક કાઢતા રહીશું, પ્રશાસન એની કાયદાકીય પ્રોસેસમાં રોકાઈ જશે અને ફરી પાછા આપણે થોડા દિવસમાં આ ઘટનાને ભૂલી જઈશું. માત્ર આવી ઘટનાઓ યાદ રહે છે એમને કે જેમણે તેમના વ્હાલ સોયા સ્વજનોને ગુમાવ્યા હોય છે.
ગઈકાલનો આ ગોઝારો અકસ્માત પણ માત પિતાને કાયમને માટે યાદ રહેશે. અને બીજા સામાન્ય માનવીઓ બે ત્રણ દિવસ એની ચર્ચા કરીને ફરી પાછા યંત્ર વત બનીને જીવનની ગાડીને પટરી પર ચઢાવવાનું શરૂ કરી દેશે. આવી દુર્ઘટનાઓ માંથી આપણે એ શીખવું જરૂરી છે કે આપણી સંવેદનશીલતા બુઠ્ઠી ન થઈ જવી જોઈએ યંત્રવત જીવન જીવવું એ ખરું પરંતુ સંવેદનશીલ બનીને નહીં કે સંવેદનહીન બનીને.. અહીં એ અનુભૂતિ કરવાની જરૂર છે કે જે ઘટના ઘટી છે એમાં આપણા પોતાના બાળકો હોય તો આપણે શું મહેસુસ કરતે,? આપણે શું પગલાં લેતે,? આજે જે માતા પિતા દુઃખદ ક્ષણો માંથી પસાર થઈ રહ્યા છે એમની સાથે આપણો કેવો વ્યવહાર ?, કેવા શબ્દ અને કેટલી આત્મીયતાની જરૂર છે… આ પરાનુભૂતિની લાગણી દરેક આકસ્મિક સંજોગોમાં એક વ્યક્તિને બીજા વ્યક્તિ સાથે જોડી રાખશે અને એક જાગૃત નાગરિક તરીકે આપણી પાસે સંવેદનશીલતા અને પરાનુભૂતિ બંને હશે તો જ આપણે આ તંત્ર સામે કાયદાકીય પગલાં પણ લઈ શકીશું, પરંતુ ઘટના ઘટી જાય છે પછી બે ચાર દિવસના આવેશોમાં આપણે હલ્લાબોલ મચાવી દઈએ છીએ અને પછી આપણે સૌ કોઈ એના તરફ દુર્લક્ષ સેવીએ છીએ જેના કારણે ખરેખર પ્રશાસનની અંદર જે એમની કામગીરીમાં આમૂલ ફેરફારો થવા જોઈએ તે થઈ શકતા નથી કારણ કે એમને પણ ખબર છે કે લોકો બે ચાર દિવસ શોર મચાવીને ભૂલી જશે. માટે જ આપણે પણ યંત્રવત ન બનતા આવી દુર્ઘટનાઓને કેવી રીતે રોકવામાં આપણો સહયોગ શું હોઈ શકે તેના અંગે વિચારીશું..
એક જાગૃત નાગરિક તરીકે આપણે પણ જ્યારે આ રીતે હળવા ફરવા કે મનોરંજન મેળવવાના સ્થળોએ જઈએ ત્યારે આપણે પણ પૂરતી કાળજી લેવી જરૂરી છે કે તેવા સ્થળોએ આપણી સુરક્ષાની, સલામતીની કેટલી તૈયારીઓ છે આ બધી હકીકતની ચકાસણી કર્યા પછી જ બોટિંગ, વોટર રાઇડિંગ, મોલ, થિયેટર, બ્રિજ, પેરાશુટ, એડવેન્ચર એક્ટિવિટીઝ, ગેમ ઝોન જેવા સ્થળોએ પ્રવેશ મેળવવો. આ ઉપરાંત સરકાર અને પ્રશાસને પણ પૂરતી કાળજી લેવી જરૂરી છે કે પ્રશાસને સમયાંતરે આવા મનોરંજનના સ્થળોએ જઈને ચકાસણી કરતા રહેવું જરૂરી છે કે મનોરંજનના સાધનોનો મેન્ટેનન્સ બરાબર થયા છે કે નહીં, જે તે સ્થળોએ ફાયર સેફ્ટી છે કે નહીં આ પ્રકારની વિવિધ ચકાસણીઓ પછી જ એને ચાલુ રાખવાનું સર્ટિફિકેટ આપો. જો પ્રશાસન કડક પગલાં લે તો ઘણી બધી દુર્ઘટના થી બચી જ શકાય એમ છે. અને સરકારે પણ આવી દુર્ઘટનાઓ તરફ સંવેદનશીલ બની કડક કાયદાઓનો અમલ કરાવવો જરૂરી છે.. આવું આપણા દેશમાં થશે તો જ ક્યારેય ફરી પાછી આવી દુર્ઘટનાઓમાં આપણે આપણા વહાલ સોયા સ્વજનોને ગુમાવવાનો વારો નહીં આવે…
“જાગૃત બનીએ, સતર્ક બનીએ