પાટણ એલસીબીએ દાંતાથી લગ્ન માટે પૈસાથી દુલ્હનોનો સંપર્ક કરાવતાં એક દલાલની ધરપકડ કરી છે. નરેશ ઉર્ફે નુરાએ પૈસા લઈને એક લગ્ન ગોઠવ્યા બાદ પાંચ જ દિવસમાં યુવતી ફરાર થઈ ગઈ હતી. ચંદ્રુમાણા ગામની આ ઘટનામાં 4.11 લાખની ઠગાઈનો કારસો રચાયો હતો પરંતુ પોલીસે તેને નાકામ બનાવ્યો છે. પાટણ એલસીબીએ ગુજરાત બ્રેકિંગને જણાવ્યું છે કે, નરેશ ઉર્ફ નુરાએ આ રીતે અનેક પરિવારોને બરબાદ કર્યા હોવાની શંકા છે. આ સાથે જ તેની ઠગાઈનો ભોગ બનેલા લોકોને એલસીબીનો સંપર્ક કરવા પણ અપીલ કરી છે.
થોડા સમય પૂર્વે જ પાટણ પોલીસમાં લૂંટેરી દુલ્હન ભાગી ગઇ હોવાનો કિસ્સો પોલીસ ચોપડે ચડ્યો હતો. વિગત એવી હતી કે, પાટણના ચંદ્રુમાણા ગામનો એક યુવક પૈસા આપીને યુવતીને લગ્ન કરીને લાવ્યો હતો.લગ્ન બાદ પાંચ જ દિવસોમાં યુવતી નાસી છૂટી હતી. છેતરપિંડીનો ભોગ બનેલા યુવકે ત્યારબાદ યુવતી લાવી આપનાર દલાલ, યુવતી અને તેના પિતા ઉપરાંત અન્ય એક ઇસમ સામે પોતાની ફરિયાદ પોલીસમાં રજૂ કરી હતી. ગુજરાતભરમાં ન્યૂસન્સ આ ઠગબાજીમાં પાટણ એલસીબીએ ઝડપભેર પગેરું દબાવતાં આ કેસમાં સામેલ દલાલ નરેશ ઉર્ફે નુરાને દાંતા તાલુકાના હડાદ ગામેથી ઝડપી પાડ્યો હતો. પાટણ એલસીબીએ વિગતો આપતાં જણાવ્યાનુસાર, ચંદ્રુમાણા ગામે રહેતા શખ્સને તેમના સબંધીએ દાંતાનો એક ઇસમ લગ્ન માટે યુવતી શોધી આપતો હોવાનું જણાવ્યું હતું. આ જાણકારીના યુવકે દાંતામાં એ દલાલનો નો સંપર્ક કર્યો હતો.દલાલે એ યુવકને દાંતા વિસ્તારમાં લઇ જઇ અલગ અલગ 3 થી 4 યુવતીઓ બતાવી હતી. એ પૈકી.એક લગ્નવાંચ્છુંક યુવકને પસંદ આવતાં આ લગ્ન ગોઠવવા હોય તો દલાલે તેના માટે પાંચ લાખ રૂ,ની માંગણી કરી હતી. યુવકે યુવતીને ખરીદવાની નહીં પરંતુ પરણીને જીવનભર સાથ રહેવા માંગતો હોવાનું કહી વ્યાજબી રકમ સાથે વાત નક્કી કરવા કહેતાં રકઝકને અંતે 3 લાખ રોકડા અને 1,11 લાખના દાગીના આપવાનું નક્કી થયું હતું. યુવક ત્યારબાદ યુવતીને લઇને ઘરે પહોંચ્યો હતો અને નક્કી થયા મુજબના પૈસા અને દાગીના આપતાં તેમણે યુવતીને પાંચ સાત દિવસ પરિચય માટે રાખવા જણાવ્યું હતું.બાદમાં આવીને લઇ જઇશું તેવી વાત કરી હતી. આ શરત મંજૂર રાખતાં યુવતી ત્યાં જ રોકાઇ પણ ગઈ હતી.
યુવકે ફરિયાદમાં જણાવેલી વિગતો અનુસાર, ગત 2 ડિસેમ્બરે યુવતી ગામમાં રહેતા સંબંધીને મળવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી. મોડા સુધી ઘરે ન આવતાં ચિંતાના માર્યા યુવકે હાંફળા-ફાંફળા થઈને શોધખોળ શરૂ કરતાં એક ઇસમ તેને બાઇક પર બેસાડીને લઇ ગયો હોવાની જાણકારી મળી હતી. યુવકે તેને ફોન કરતાં યુવતીએ પોત પ્રકાશતાં એવો ઉડાઉ જવાબ આપ્યો હતો કે તમે મારૂં તમે કંઇ બગાડી શકવાના નથી એમ કહી ધાકધમકી આપવા માંડી હતી. યુવકને આ વાતો સાંભળી પગ તળેથી જમીન ખસી જતાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. તેણે મિત્રોની સલાહ લઈ પાટણ તાલુકા પોલીસમાં ફરિયાદ આપી હતી. પ્રકરણને ગંભીરતાથી લેતાં પાટણ એલસીબીએ બાતમીદારોની મદદથી યુવક અને યુવતીનો સંબંધ કરાવનાર દલાલ નરેશ ઉર્ફ નુરાની ધરપકડ કરી છે. પોલીસને આ ગુનામાં રાજ્યવ્યાપી ષડયંત્રની ગંધ આવતાં વધુ તપાસ શરૂ કરી છે.