સોશિયલ મીડિયામાં લાઈક મેળવવા અને ફૉલોઅર્સ વધારવાના ચક્કરમાં આજકાલના યુવાઓ પોતાના જીવના જોખમે રીલ્સ બનાવી રહ્યા છે. ક્યારેક રેલવેના પાટા પર, તો ક્યારે ઊંચી ઈમારતો, તો ક્યારેક જાહેર રોડ પર સ્ટંટ કરીને પોતાની સાથે બીજા લોકોના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે. સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવાના ચક્કરમાં મોતને ભેટ્યા હોય તેવા સમાચારો ઘણી વખત સામે આવી ચૂક્યા છે, ત્યારે આવો જ વધુ એક બનાવ ઉત્તર પ્રદેશના આગરામાંથી સામે આવ્યો છે. જેમાં એક યુવક ડાન્સી રીલ્સ બનાવવાના ચક્કરમાં મોતને ભેટી રહ્યો છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
રીલ્સ બનાવવાના ચક્કરમાં યુવકનું મોત
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વીડિયો આગરાના શરાફા બજારનો હોવાનું કહેવાય છે. જેમાં કેટલાક મિત્રો જોઈ શકાય છે. જે પૈકી લાલ શર્ટ પહેરેલો યુવક સ્લો મોશનમાં ડાન્સ કરી રહ્યો છે, જ્યારે સામે બેઠેલા તેના બે મિત્રો મોબાઈલમાં વીડિયો ઉતારી રહ્યા છે. આ દરમિયાન લાલ શર્ટ પહેરેલો યુવક લોખંડની જાળી ઉપર ઉઠાવે છે, ત્યારે જ તેનો પગ લપસે છે. જેથી લોખંડની જાળી સીધી તેના ગળા પર પડવાથી તેનું માથું ધડથી અલગ થઈ જતાં યુવકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજે છે.
મિત્રોએ બચાવવાનો કર્યો પ્રયાસ
વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવકનું માથું અને શરીર અલગ-અલગ થઈને ચોથા માળેથી ત્રીજા માળે પડી રહ્યુ છે. આ સમયે વીડિયો ઉતારી રહેલા તેના અન્ય મિત્રોએ બચાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ ચાંદી બજારમાં કામ કરતા 20 વર્ષીય આસિફ તરીકે થઈ છે, જે આગરાના અબ્બાસનગરમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. આસિફ શનિવારે સવારના સમયે પોતાના 4 મિત્રોની મદદથી જૌહરી પ્લાઝામાં આવેલી દુકાન ખોલવા ગયો હતો, ત્યારે તેનો કાળ સાથે ભેટો થયો હતો.
આ અગાઉ આવી અનેક ઘટના સામે આવી ચુકી છે
ઉલ્લેખનીય છે કે, અગાઉ સપ્ટેમ્બર મહિનામાં ઉત્તર પ્રદેશના લખીમપુર-ખીરીમાં આવો જ એક બનાવ સામે આવ્યો હતો. જેમાં એક પરિવાર રેલવે ટ્રેક પર ઉભા રહીને રીલ બનાવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક ધસમસતી ટ્રેન આવી જતાં આખાય પરિવારને ઠોકરે ચડાવ્યો હતો. જેમાં એક બાળક અને તેના માતા-પિતાનું મોત થયું હતુ.