લોકસભા ચૂંટણીના પરિણામો હવે સ્પષ્ટ થઈ રહ્યા છે. 542 સીટોની મતગણતરીમાં એનડીએ બહુમતના આંક તરફ આગળ વધી રહી છે. ભારતીય ચૂંટણી પંચના મતે ભાજપ લગભગ 240 બેઠકો પર આગળ છે. કોંગ્રેસે પણ ગત વખત કરતા સારૂ પ્રદર્શન કર્યું છે. જોકે બહુમત માટે જરૂરી બેઠકોથી તે દૂર છે. મુખ્ય બેઠકોની વાત કરીએ તો વારાણસી બેઠક પરથી નરેન્દ્ર મોદી આગળ ચાલી રહ્યા છે.
વારાણસી બેઠક પરથી મોદી આગળ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી જીતની હેટ્રિક ફટકારી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેમણે આ બેઠક પરથી ફરી એકવાર નિર્ણાયક લીડ મેળવી છે. ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ સાંજે 5 વાગ્યા સુધી નરેન્દ્ર મોદી કોંગ્રેસના અજય રાયથી 1 લાખ 52 હજારથી વધુ મતોથી આગળ છે. તેમને 6 લાખ 11 હજાર મત મળ્યા છે.
રેકોર્ડ જીતના માર્ગે અમિત શાહ
ભાજપ નેતા અને ગૃહમંત્રી અમિત શાહ લોકસભા ચૂંટણી 2024માં રેકોર્ડ જીત તરફ આગળ વધી રહ્યા છે. અમિત શાહે પ્રારંભિક રાઉન્ડ બાદ જ કોંગ્રેસની સોનલ પટેલ પર 7 લાખ 44 હજાર મતોની લીડ મેળવી લીધી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સાંજે 5 વાગ્યા સુધી અમિત શાહને 10 લાખ 10 હજાર વોટ મળ્યા છે.
કોંગ્રેસ પાસેથી છિંદવાડા સીટ છીનવાઈ શકે છે
છેલ્લી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મધ્યપ્રદેશમાં 29માંથી માત્ર એક સીટ મળી હતી. ત્યારે કોંગ્રેસના નેતા નકુલ નાથે છિંદવાડા સીટ જીતી હતી. પરંતુ લોકસભા ચૂંટણી 2024માં બીજેપીના બંટી વિવેક સાહુને છિંદવાડા સીટથી ફાયદો થયો છે. કમલનાથના પુત્ર નકુલ નાથ સાંજે 5 વાગ્યા સુધી 1 લાખ 13 હજારથી વધુ વોટથી પાછળ છે.
રાજગઢથી પાછળ દિગ્વિજય સિંહ
લોકસભા ચૂંટણી 2024માં દરેકની નજર મધ્યપ્રદેશની બે સીટો પર હતી. પહેલું છિંદવાડા અને બીજું રાજગઢ. કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ રાજગઢથી ચૂંટણી મેદાનમાં છે. ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર સાંજે 5 વાગ્યા સુધી દિગ્વિજય સિંહ બીજેપીના રોડમલ નગરથી 1 લાખ 27 હજાર વોટથી પાછળ હતા.
પાછળ સ્મૃતિ ઈરાની
બીજેપી નેતા સ્મૃતિ ઈરાની અમેઠી સીટથી પાછળ ચાલી રહી છે. કોંગ્રેસના કિશોરી લાલે સ્મૃતિ ઈરાની કરતાં 1 લાખ 55 હજાર મતોની લીડ લીધી છે. તેમને 5 લાખ 9 હજારથી વધુ મત મળ્યા છે. સ્મૃતિ ઈરાનીએ ગત લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને અમેઠીથી હરાવ્યા હતા.
રાહુલ ગાંધી 2.47 લાખ મતોથી આગળ છે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પર નિર્ણાયક લીડ લેતા જણાય છે. તેમણે ભાજપના દિનેશ પ્રતાપ સિંહ પર 3.88 લાખ મતોની લીડ લીધી છે. ગત વખતે સોનિયા ગાંધી રાયબરેલી બેઠક પરથી 1.67 લાખ મતોથી જીત્યા હતા.
ઈન્દોરમાં ભાજપ રેકોર્ડ બનાવી શકે છે
મધ્યપ્રદેશની ઈન્દોર બેઠક પરથી ભાજપના શંકર લાલવાણીએ રેકોર્ડ બનાવ્યો છે. શંકર લાલવાણીને 12 લાખ 26 હજાર 751 વોટ મળ્યા. તેમણે 10,08,077 મતોના માર્જિનથી તેમની બેઠક જીતી હતી. ઈન્દોર સીટની રસપ્રદ વાત એ હતી કે શંકર લાલવાણી પછી NOTAને સૌથી વધુ વોટ મળ્યા. NOTAમાં કુલ 2,18,674 મત પડ્યા હતા, જે એક રેકોર્ડ છે. બસપાના સંજય સોલંકીને 51,659 વોટ મળ્યા હતા.
પાછળ ભૂપેશ બઘેલ
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પોતાના હરીફ કરતા પાછળ છે. સાંજે 5 વાગ્યા સુધી ભાજપના સંતોષ પાંડેએ કોંગ્રેસના નેતા ભૂપેશ બઘેલ પર 43 હજારથી વધુ મતોની લીડ મેળવી લીધી છે.
બહેરામપુરથી ક્રિકેટર પઠાણ આગળ
ક્રિકેટર યુસુફ પઠાણે પશ્ચિમ બંગાળની બહરમપુર સીટ જીતી લીધી છે. તૃણમૂલ કોંગ્રેસ (AITC)ના ઉમેદવાર યુસુફ પઠાણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીને 59,351 મતોથી હરાવ્યા હતા. યુસુફ પઠાણ 2007 અને 2011માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો સભ્ય રહી ચૂક્યો છે.