રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં 28થી વધુ મોતને ભેટ્યા છે. TRP ગેમઝોનમાં 28 લોકોના મોતની ઘટના બનતા અરેરાટી મચી જવા પામી છે. આટલા લોકોના મોતથી સમગ્ર રાજકોટ શહેર હિબડે ચડ્યું છે. શહેરમાં સન્નાટો ફેલાઈ ગયો છે. રાજકોટ સિવિલમાં એમ્બ્યુલન્સના થપ્પા લાગી ગયા છે. મળતી માહિતી પ્રમાણે હજુ પણ મૃ્ત્યુઆંક વધવાની આશંકા છે.
રાજકોટના રીક્ષાવાળા એવા ઇકબાલભાઈએ આ આગને લઈ સૌથી પહેલા ફાયરબ્રિગેડમાં કોલ કર્યો હતો અને તેમણે જણાવ્યું કે, મેં 5.30થી 5.45 વાગ્યે કોલ કર્યો હતો.આ કરૂણાંતિકામાં ફાયર બ્રિગેડ દ્વારા ઘટનાસ્થળે પહોંચવાને લઈ પણ સવાલો ઉઠી રહ્યા છે. ગેમઝોનની નજીક રહેતા એક મહિલાએ 4.30 કે 4.45 વાગ્યે આગ અંગે કોલ કર્યો હોવાનું જણાવ્યું છે અને ફાયર બ્રિગેડ 5.30 કે 5.45 પહોંચ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.
આ અંગે રિક્ષાચાલકે જણાવ્યું હતું કે, 4.30 અને 4.45 વાગ્યાના સમયગાળામાં ધુમાડા નીકળી રહ્યા હતા એટલે અમને લાગ્યું કે ક્યાંક આગ લાગેલી છે. જેથી ફોન કરીને જાણ કરી પણ એ દરમિયાન ફાયરની એક જ ટેન્કની જગ્યાએ બે-ત્રણ ટેન્ક આપ્યા હોત તો પરિસ્થિતિ સુધારી શકાઈ હોત. પોલીસની ફરજને લઈ સવાલો કરતા હોય છે ત્યારે મેં પહેલીવાર એવું જોયું કે પોલીસ અધિકારીને મેં કફન લાવતા જોયા હતા. જે લોકોની હાલત હતી, પણ હાલત બહારની કોઈ કલ્પના થઈ શકે તેમ નહોતી. અંદરથી ફટાકડા ફૂટતા હોય અને ગેસ છૂટતો હોય એવું લાગતું હતું. નજીક જઈ શકાય એવી હાલત જ નહોતી.સામેના ગ્રાઉન્ડમાંથી લોકો જોઇ રહ્યા હતા.જાનમાલને ઓછું નુકસાન થઈ શક્યું હોત જો કે આગ પણ વધારે હતી અને કોઈ વિચારી જ ન શકે કે એક જ સેકન્ડમાં આટલું બંધું કેવી રીતે થઈ શકે? ટેન્ક આવ્યો પણ 5.30 વાગી ગયા હતા. લોકોને તો ખબર જ નહોતી અને ધીરે ધીરે ખબર પડવા લાગી એમ લોકો જમાવડો થતો ગયો હતો. પોલીસનું કામ ખૂબ જ સારું છે.
ક્યા કારણે આગ લાગી?
આગ ક્યાં કારણોસર લાગી તે અંગે પ્રાથમિક તબક્કે અલગ અલગ કારણો બહાર આવી રહ્યા છે. ત્યારે ઘટનાસ્થળે સૌ પ્રથમ પહોંચેલા ફાયર બ્રિગેડ અને પોલીસ અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગેમ ઝોનમાં રબર-રેક્ઝિનનું ફ્લોરિંગ હતું. અંદાજે 2500 લિટર ડીઝલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. કાર ઝોનમાં ફરતે હજારથી વધુ ટાયરનો જથ્થો જ્યારે લોખંડ અને પતરાંના સ્ટ્રક્ચરમાં થર્મોકોલની શીટના પાર્ટિશનને લીધે આગ લાગી તેની માત્ર ગણતરીની મિનિટમાં જ ધડાકા સાથે છેક ત્રીજા માળ સુધી પ્રસરી ગઈ હતી અને બાળકો સહિતના લોકો અંદર હતા તેઓને બહાર નીકળવાનો મોકો જ મળ્યો ન હતો. આગ લાગી ત્યારે ઘણા લોકોએ બીજા અને ત્રીજા માળેથી બચાવો-બચાવોની બૂમો પાડી હતી.
SITની રચના કરવામાં આવી
આઈપીએસ સુભાષ ત્રિવેદીના નેજા હેઠળ SITની રચના કરવામાં આવી છે. અમદાવાદ ચીફ ફાયર ઓફિસર પણ SITમાં સામેલ છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે SIT ના સભ્યો રાજકોટ જવા રવાના થઈ ગયા છે.
રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય કરશે. ટીઆરપી આગકાંડ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું છે અને સહાયની જાહેરાત કરી છે. સીએમએ સોશિયસ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું,
રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય કરશે.