હીટ વેવથી પીડિત ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત છે. અહીં તાપમાન સતત 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી રહ્યું છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને અહીં હીટસ્ટ્રોક આવ્યો હતો. આ પછી તેને બે દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. જોકે ગુરુવારે તેમને રજા આપવામાં આવી હતી. ગુજરાતમાં ગરમીનો કહેર ઓછો થવાનો નથી. આગામી દિવસોમાં પણ અહીં રાહત મળવાની કોઈ શક્યતા નથી. તાપમાન સતત 45 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેશે.
ગુજરાતમાં ગરમીમાંથી રાહત વરસાદ પછી જ મળશે અને મે મહિનામાં વરસાદની શક્યતા ઓછી છે. ગુજરાતના અનેક ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમી પડી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, ગુજરાત ગરમીના મોજાની પકડમાં છે અને અમદાવાદમાં મંગળવારે મહત્તમ તાપમાન 45.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે બુધવારે તે 45.9 ડિગ્રી હતું.
આગ ઓકતી ગરમીએ ત્રાહિમામ પોકારી દીધો છે. અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં ગુજરાતનું સૌથી વધારે 47.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જણાવવામાં આવી રહ્યું છે કે, છેલ્લા ઘણા વર્ષો બાદ આટલું તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત, અમદાવાદ શહેરમાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અગનભઠ્ઠીમાં શેકાતા અમદાવાદના રસ્તાઓ એકદમ સૂમસામ જોવા મળ્યા હતા.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, આણંદ, સાબરકાંઠા, સુરત, વલસાડ, વડોદરા, જૂનાગઢ, કચ્છ, પાટણ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા, અરવલ્લી, છોટા ઉદેપુર સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે.
હવામાન વિભાગ દ્વારા હજૂ પણ આગામી 4 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં, અમદાવાદ, ગાંધીનગરમાં 2 દિવસ ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બંને શહેરોનું તાપમાન 46 ડિગ્રી પાર રહેશે.
જણાવી દઈએ કે, અમદાવાદમાં આજનો દિવસ સિઝનનો સૌથી ગરમ રહ્યો છે. અમદાવાદમાં 46.6 ડિગ્રી સાથે ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. આ ઉપરાંત, ગાંધીનગરમાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું, સુરેન્દ્રનગરમાં 45.9 ડિગ્રી, ડીસામાં 45.4 ડિગ્રી, વડોદરમાં 45 ડિગ્રી અને નર્મદામાં 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.