હાલમાં ચાલતી કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી સમયમાં હવે ગરમીથી રાહત મળે, તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંતના જણાવ્યા મુજબ 12મે થી 16મે દરમિયાન વરસાદની શક્યતા રહેલી છે. હાલ સંપૂર્ણ ગુજરાતમાં ભારે ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે. 40 ડિગ્રીથી વધુની ગરમીથી સમગ્ર ગુજરાતમાં જનજીવન અસરગ્રસ્ત બન્યું હતું, ત્યારે હવે 12થી 16 તારીખ સુધીમાં તોફાની વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રમાં એક દબાણનું સર્જન
અત્યારના સમયમાં મહારાષ્ટ્ર પર હવામાનની અસ્થિરતા જોવા મળી રહી છે. આ અસ્થિરતામાં 850 HP લેવલે એક શિયરઝોન સર્જાઈ રહ્યો છે. 700 લેવલથી અરબી સમુદ્રમાંથી આ શિયરઝોનને ભેજ જોવા મળી રહ્યો છે, જેથી રાજ્યના હવામાનમાં પલટો જોવા મળશે. આ તમામ હવામાનની પરિસ્થિતિને લીધે આગામી સમયમાં સંપૂર્ણ દિવસ દરમિયાન 1.5 ઇંચ જેટલો તોફાની વરસાદ પડવાની શક્યતાઓ હાલ હવામાન નિષ્ણાંત વ્યક્ત કરી રહ્યા છે.
આજ રાત્રીથી વરસાદની શરૂઆત
આજે એટલે કે, તા.12મે ના રાત્રીથી વરસાદની શરૂઆત થઈ જશે અને બોર્ડર લાઈન વિસ્તાર પર આવેલા શહેરોમાં આ વરસાદની અસર જોવા મળશે, જેમાં રાજપીપળા, છોટાઉદેપુર, ડાંગ, આહવા, સુરત, વલસાડ અને નવસારીમાં વરસાદની શક્યતા રહેલી છે. તા.13 મે રોજ વરસાદની તીવ્રતામાં વધારો થશે, તેથી તા.13, 14, 15 અને 16મે દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે.
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ મહેસાણા સહિતના તમામ વિસ્તારોમાં તા.13 અને 14મે એ વરસાદ પડવાની શક્યતા છે.સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ સહિતના અમુક વિસ્તારોમાં તા.13, 14 અને 15 એમ ત્રણ દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે.
મધ્ય ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધુ
મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, ખેડા, કપડવંજ, વડોદરા, દાહોદ, ગોધરા, લુણાવાડા અને આસપાસના તમામ વિસ્તારોની અંદર ત્રણ દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે. તેમાં પણ વડોદરા, ગોધરા અને અમદાવાદ જેવા શહેરોમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે, તેવી શક્યતાઓ છે.