ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટ લોકસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર એવા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની મુશ્કેલીઓ વધી રહી છે. ક્ષત્રિય સમાજ વિરૂદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાના આરોપમાં રૂપાલા સામે બદનક્ષીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જ્યારે અન્ય રાજ્યમાં રૂપાલાના પૂતળાનું દહન શરૂ થયું છે. આ પછી શુક્રવારે ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ભાજપના ધારાસભ્યો, સાંસદ સભ્યો તેમજ ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનો અને નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં પરસોત્તમ રૂપાલાએ હાજરી આપી જાહેરમાં ફરી એક વખત માફી માગી રંજ વ્યક્ત કર્યો હતો. આ પછી રાત્રિના તેઓ ક્ષત્રિય સમાજની આસ્થાનું કેન્દ્ર સમાન ગધેથડ આશ્રમ ખાતે લાલબાપુની મુલાકાત લીધી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ સમયે વિવાદના પગલે કોઈ નિવેદન કરવાને બદલે લાલબાપુએ પરસોત્તમ રૂપાલાને આશ્વાસન આપ્યું હતું.
વિવાદિત નિવેદન અંગે ક્ષત્રિય સમાજે રાજકોટના રૂપાલા જો ભાજપના ઉમેદવાર રહેશે તો તેમને મત નહીં આપવાની ચીમકી આપી છે. વડોદરામાં વિરોધની તર્જ પર ક્ષત્રિય સમાજે પીએમ મોદી અને ભાજપ પ્રત્યે કોઈ દુશ્મની નથી તેવી માંગ ઉઠાવી છે, પરંતુ ક્ષત્રિયો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ રાજકોટમાંથી રૂપાલાની ઉમેદવારી સ્વીકારવામાં આવી નથી. ગુજરાતના ભાજપના સૌથી શક્તિશાળી નેતા અને પ્રદેશ પક્ષના પ્રમુખ સી.આર.પાટીલની રાજકોટ-સુરેન્દ્ર નગર મુલાકાત બાદ પણ ક્ષત્રિયોનો વિરોધ ઓછો થયો નથી. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થયો છે કે પક્ષ ક્ષત્રિયોના ગુસ્સાનો સામનો કેવી રીતે કરશે? શું પક્ષ વરિષ્ઠ નેતા સામે લડવાનું ચાલુ રાખશે કે પછી ક્ષત્રિયોની માંગ વચ્ચે નવો રસ્તો નીકળશે. ક્ષત્રિયોના વિરોધ વચ્ચે કેન્દ્રીય મંત્રીની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજા રજવાડાં સામે કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે. ત્યારે મામલો શાંત પાડવા ગોંડલના શેમળા ગામમાં જયરાજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ક્ષત્રિય સમાજની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક પૂર્ણ કરી પરસોત્તમ રૂપાલા રાત્રિના સમયે ઉપલેટા નજીક આવેલા ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે લાલબાપુની મુલાકાત કરી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. ગધેથડ આશ્રમ એ રાજકોટ અને સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના લોકો માટે એક આસ્થાનું કેન્દ્ર માનવામાં આવ છે અને એટલા જ માટે કદાચ પરસોત્તમ રૂપાલાએ પણ અહીંયા હાજરી આપી હોય શકે તેવું ચર્ચાઈ રહ્યું છે.
ક્ષત્રિયોની બેઠકમાં ગઈકાલે સાંજે પહોંચેલા રૂપાલાએ ફરીવાર માફી માગતા જણાવ્યું હતું કે, હું મારી વાત શરૂ કરું એ પહેલા મને જે ફિલિંગ આવી છે એ વ્યક્ત કરી દઉં પછી મારી વાત શરૂ કરું. મારા એક નિવેદનને કારણે જે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો એની મેં અનુભૂતિ પણ કરી છે. અત્યારસુધી જે ચાલ્યું અને અત્યારે હું આવું એવી મારે જયરાજસિંહભાઈ સાથે વાત થઈ હતી કે, તમારે 7 વાગ્યે પહોંચવું એવી વાત થઈ હતી. હું ચૂંટણીસભામાં જતો હોવ અને ઢોલ-નગારા સાથે મારું જે સ્વાગત થાય એ ક્ષત્રિયો સિવાય કોઈ કરી ન શકે, એ શક્ય જ નથી. મિત્રો મને એક વાતનો એવડો મોટો રંજ છે કે, મારી જીભથી આ વાક્ય નીકળ્યું. મારી આખી જિંદગીમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને તેને પાછું ખેંચ્યું હોય એવો કોઈ રેકોર્ડ નથી.