અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અને ઉદ્યોગપતિ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશનની શરૂઆત આજે અન્ના સેવા સાથે થઈ હતી. જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ નજીક જોગવડ ગામમાં, મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સહિત અંબાણી પરિવારના અન્ય સભ્યોએ ગ્રામજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું હતું.
આજે જોગવડ ગામમાં સમુહભોજન અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આખો અંબાણી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. અંબાણી અને મર્ચન્ટ પરિવારે ગ્રામજનોને હાથેથી જમાડ્યાં હતા. ગામલોકોએ હાલારી પાઘડી પહેરાવીને સ્વાગત કર્યું હતું. તેમજ મુકેશ અંબાણીએ મેસુબનો અને ભજીયાનો સ્વાદ માણ્યો હતો. અંબાણી પરિવારનો અસ્સલ ગુજરાતી અંદાજ જોવા મળ્યો હતો.
લોકોને પીરસ્તા પીરસ્તા મુકેશ અંબાણીએ લોકોને કહ્યું હતું કે, રાધિકા અને અનંતને આશીર્વાદ આપજો. ભજીયાનો ટેસ્ટ કરતા કરતા કહ્યું હતું કે, આ તો અંબાણીના ભજીયા છે અને મને ભજીયા બહુ ભાવે છે. જેથી ગામ લોકોએ તેમને ભજીયા ટેસ્ટ કરાવ્યા હતા.
સંવાદના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાધિકા મર્ચન્ટના મામા અને માતા-પિતા, વિરેન અને શૈલા મર્ચન્ટે પણ ભોજન સેવામાં ભાગ લીધો હતો. આ પ્રી-વેડિંગ રિસેપ્શનમાં લગભગ 51 હજાર સ્થાનિક રહેવાસીઓને ભોજન પીરસવામાં આવશે, જે આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહેશે.
ભોજન બાદ ઉપસ્થિતોએ પરંપરાગત લોકસંગીતનો આનંદ માણ્યો હતો. પ્રખ્યાત ગુજરાતી સિંગર કીર્તિદાન ગઢવીએ પોતાની ગાયકીથી શોને ધૂમ મચાવી દીધો હતો.
અંબાણી પરિવારમાં ભોજન પીરસવાની પરંપરા જૂની છે. અંબાણી પરિવાર શુભ પારિવારિક પ્રસંગોએ ભોજન પીરસતો રહ્યો છે. કોરોના મહામારી દરમિયાન જ્યારે દેશ સંકટમાં હતો ત્યારે પણ અનંત અંબાણીની માતા નીતા અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ફાઉન્ડેશને વિશ્વનો સૌથી મોટો ખોરાક વિતરણ કાર્યક્રમ ચલાવ્યો હતો. પારિવારિક પરંપરાને આગળ વધારતા, અનંત અંબાણીએ અન્ના સેવા સાથે તેમના પ્રી-વેડિંગ ફંક્શન્સની શરૂઆત કરી છે.
અંબાણી પરિવાર તેમના નાના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગની ઉજવણી જામનગરની રિલાયન્સ રિફાઈનરી પાસે આવેલા રિલાયન્સ ગ્રીન્સમાં કરી રહ્યો છે. ત્યારે આ ઉજવણી પૂર્વે રિલાયન્સ રિફાઈનરી આસપાસ આવેલાં ગામડાઓમાં પણ અંબાણી પરિવાર દ્વારા આનંદના પ્રસંગની ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ ગામોમાં લોકડાયરા અને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે કેટલાક ગામોમાં ખુદ અનંત અંબાણી પણ પહોંચ્યા હતા અને ગ્રામજનો સાથે મુલાકાત કરતા જોવા મળ્યા હતા.