મધ્યપ્રદેશના અલીરાજપુર વિસ્તારના અંતરિયાળ એવા સોંડવા પોલીસ સ્ટેશન વિસ્તારના બેજરા ગામમાં ચાર પોલીસકર્મીઓ દ્વારા એક ઘરમાંથી 240 બ્રિટિશ યુગના સોનાના સિક્કાની ચોરીના કેસમાં મધ્યપ્રદેશ પોલીસ ઢીલું મુકવાની ફિરાકમાં હતી ત્યાં જ નવસારી પોલીસે હવે ત્યાં એન્ટ્રી મારતાં આ કેસમાં હવે ધમધમાટ શરૂ થયો છે.
નવસારી રૂરલ પોલીસ સુત્રોએ ગુજરાત બ્રેકિંગ સમક્ષ આપેલી વિગતો અનુસાર, ગુજરાતથી પોલીસની એક ટીમ આ ચકચારી પ્રકરણની ફરિયાદી મહિલાની પૂછપરછ કરવા મધ્યપ્રદેશ પહોંચી ચૂકી છે. જો કે તપાસ ટીમને મહિલા ઘરે મળી ન હતી. સૂત્રોનું કહેવું છે કે પૂછપરછ બાદ આ કેસમાં ધરપકડ પણ શક્ય છે. સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ જણાઈ હોવાથી ત્યાંના અધિકારીઓને અંધારામાં રાખીને પોલીસે આ ઓપરેશન હાથ ધરતાં ભારે સનસની મચી ગઈ છે.
તમને જણાવી દઈએ કે, આ મામલો છેક ગત 20 જુલાઈએ પ્રકાશમાં આવ્યો હતો. મધ્યપ્રદેશના બેજરા ગામમાં રહેતી શ્રમજીવી મહિલા રામકુબાઈ ભાડિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે તે તેના સાળાની પુત્રવધૂ સાથે એ નવસારી નજીકના બીલીમોરા ગામમાં મજૂરી કામ કરવા ગઈ હતી. ત્યાં એક ઘરમાં કામ કરતી વખતે તેને 240 સોનાના સિક્કા મળ્યા. આ સિક્કા લઈને તે તેના ગામ પરત ફરી. અહીં આવ્યા બાદ તેણે તમામ સિક્કા પોતાના ઘરમાં દાટી દીધા હતા.
જો કે આ સમાચાર ગામમાં ઝડપથી ફેલાઈ ગયા. ત્યારબાદ મધ્યપ્રદેશના ચાર પોલીસકર્મીઓ તેના ઘરે પહોંચી ગયા હતા અને તેને ધમકી આપી. આ પછી, તેઓએ ઘરમાં વિવિધ સ્થળોએ સિક્કાઓ ખોદ્યા અને સિક્કાઓ પોતાની સાથે લઈ ગયા. આ અંગે ગ્રામજનોને જાણ થતાં તેઓ સ્થાનિક આગેવાનો સાથે પોલીસ મથકે આવ્યા હતા અને દેખાવો કર્યા હતા.
પ્રાથમિક તપાસ બાદ સોંડવા પોલીસ સ્ટેશનના તત્કાલીન ઈન્ચાર્જ વિજય દેવરા, હેડ કોન્સ્ટેબલ સુરેશ ચૌહાણ, કોન્સ્ટેબલ રાકેશ અને વીરેન્દ્ર સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ચારેય વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. લગભગ એક મહિના બાદ ચારેય આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી ચારેયને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. સમગ્ર મામલાની તપાસ માટે SITની પણ રચના કરવામાં આવી હતી. પોલીસ હજુ સુધી આરોપીઓ પાસેથી સિક્કા કબજે કરી શકી નથી. પોલીસે બ્રેઈન મેપિંગ, પોલીગ્રાફ અને નાર્કોટિક ટેસ્ટ માટે પણ અરજી કરી હતી. જોકે, બાદમાં આરોપીએ ટેકનિકલ તપાસમાંથી પીછેહઠ કરી હતી. ત્યારથી પોલીસની તપાસ ઢીલી પડી છે.
હવે નવસારી પોલીસ ઘરમાંથી સિક્કા કાઢીને મધ્યપ્રદેશ લઈ જવાના મામલે પણ તપાસ કરી રહી છે. આ સંદર્ભે પોલીસની એક ટીમ ફરિયાદી રામકુબાઈની પૂછપરછ કરવા અહીં આવી હતી. મહિલા ઘરેથી મળી નથી. હવે મધ્યપ્રદેશ પોલીસ બાદ હવે ગુજરાત પોલીસની તપાસમાં આ કેસમાં નવો વળાંક આવી શકે છે.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, બહુચર્ચિત આ કેસમાં ફરિયાદી મહિલાને બળજબરીથી કુક્ષી પાસે લઈ જઈ સોનાના સિક્કા કાંડના આરોપીઓની તરફેણમાં કાગળ પર બળજબરીથી અંગૂઠાની છાપ પડાવી લેવાનો કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો હતો. આ કેસમાં પણ પોલીસે ગુનો નોંધી ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.
નવસારી રૂરલ પોલીસ સુત્રોનું માનીએ તો, તપાસ દરમિયાન, ફરિયાદી મહિલાને ખોદેલી જગ્યાએ માટીમાં એક સિક્કો મળ્યો, જે તેણે પોલીસને સોંપ્યો. તપાસ દરમિયાન એક સિક્કાનું વજન 7.99 ગ્રામ હોવાનું જાણવા મળ્યું હતું. એક સિક્કાની કિંમત 44 હજાર રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે. આ સિક્કા બ્રિટિશ શાસન દરમિયાન 1922ના છે. તેના પર બ્રિટિશ સમ્રાટ જ્યોર્જ પાંચમાનું ચિત્ર છે.