મુંબઈ પોલીસે તાજેતરમાં જ અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકી આપનાર આરોપીની ધરપકડ કરી છે. આરોપી 21 વર્ષનો લવરમુછીયો છે, જેણે મુકેશ અંબાણીને રોફ જમાવી ગેંગ્સ્ટર બનવા પોતાના ટેકનિકલ જ્ઞાનના ઘમંડને આધાર બનાવી આ કાવતરું ઘડ્યું હતું. પોલીસની આગવી ટેક્નિકલ સુઝબુઝથી તેના ગેંગ્સ્ટર બનવાનું સપનું રોળાઈ ગયું છે. 21 વર્ષના આરોપી જ્યારે ત્રીજો ઈમેલ મુકેશ અંબાણીની ઓફિસને મોકલ્યો ત્યારે આરોપીએ તેમાં લખ્યું હતું કે, ‘કેચ મી ઈફ યુ કેન’ પોલીસે તેના આ પડકારને ઝીલી લેતાં ગણતરીના કલાકોમાં કલોલથી ઝડપીને જેલભેગો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે 27 ઓક્ટોબરે મુકેશ અંબાણીની ઓફિસ પર એક ઈમેલ આવ્યો હતો, જેમાં 20 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી અને ખંડણી ન આપે તો મુકેશ અંબાણીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ, એક પછી એક ઉપરાછાપરી ઈમેલનો મારો શરૂ થયો. દર ઈમેલમાં પૈસાની માંગ વધતાં વધતાં એ 20 કરોડ રૂપિયાથી વધીને 400 કરોડ પર પહોંચી ગઈ. આરોપીએ એકપણ વખત બેંક ખાતાની વિગતો આપી ન હતી કે ક્યાં તે પૈસા જમા કરાવવા માંગે છે. ઈમેલમાં મુંબઈ પોલીસની ધરપકડ કરવાની ક્ષમતા પર પણ પડકાર ફેંકવામાં આવ્યા હતા.
પોલીસે કુનેહપુર્વક ઓપરેશન હાથ પર લઈને કલોલથી આરોપીની ધરપકડ કરી. રાજવીર કાંત નામનો 21 વર્ષનો યુવક છે જે ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહ્યો છે. આરોપીના પિતા કલોલ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ છે. જ્યારે મુંબઈ પોલીસના ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટે આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે આરોપીએ વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્કનો ઉપયોગ કરીને મેઈલફેન્સ એકાઉન્ટ ખોલ્યું હતું જેથી તેનું આઈપી એડ્રેસ ટ્રેસ ન થઈ શકે.
આ પછી પોલીસે તેમની તપાસ મેઇલફેન્સ એકાઉન્ટ પર કેન્દ્રિત કરી. તપાસમાં સામે આવ્યું છે કે દેશમાં માત્ર 500 યુઝર્સ આ એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ હાલમાં તેમાંથી માત્ર 150 જ એક્ટિવ છે. જ્યારે પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે જે સમયે મુકેશ અંબાણીને ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા તે સમયે એક જ એકાઉન્ટ એક્ટિવ હતું. આ માહિતી મળ્યા બાદ પોલીસ માટે આરોપીનું આઈપી એડ્રેસ શોધવાનો પડકાર હતો.
પોલીસે જણાવ્યું હતું કે આરોપી આખી રાત ડાર્ક વેબ પર સર્ફ કરતો હતો અને સતત તેનું આઈપી એડ્રેસ એક દેશમાંથી બીજા દેશમાં બદલતો રહેતો હતો, જેના કારણે તેને શોધવામાં મુશ્કેલી પડી રહી હતી, પરંતુ પોલીસની પણ તેના પર સતત નજર હતી. દરમિયાન આરોપીએ ભૂલ કરી હતી અને પોતાનું IP એડ્રેસ બદલીને અન્ય દેશના IP એડ્રેસમાં ભૂલથી તેના IP એડ્રેસની માહિતી આપી હતી, જે બાદ પોલીસે આરોપીને કલોલમાંથી પકડી પાડ્યો હતો.
આરોપીઓએ શાદાબ ખાનના નામે મુકેશ અંબાણીને ધમકી આપી હતી. જ્યારે પોલીસે તેની ધરપકડ કરીને પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે જ્યારે તે પહેલો ઈમેલ લખી રહ્યો હતો ત્યારે પાકિસ્તાન મેચ ચાલી રહી હતી અને પાકિસ્તાની ક્રિકેટર શાદાબ ખાન બેટિંગ કરી રહ્યો હતો, તેથી આરોપીએ પોલીસને ચકમો આપવાનો પ્રયાસ કર્યો.તેમણે પોતાનું નામ પણ શાદાબ લખ્યું હતું. ખાન. પોલીસે આરોપીઓ સામે IPCની કલમ 387 અને 506 હેઠળ કેસ નોંધ્યો છે અને આરોપીને મહત્તમ સાત વર્ષની સજા થઈ શકે છે.