બાળકો તો માસુમ જ હોય છે તેમનામાં ચાલાકી, ધૃણા જેવા સંસ્કારો ઉમેરે છે સમાજના નકારાત્મક અનુભવો. આ શબ્દોનો અહેસાસ આજે ભરગરમીમાં અડાજણ ગુજરાત ગેસ સર્કલ પર તૈનાત બે ટ્રાફિક બ્રિગેડની યુવતીઓએ કર્યો. એમ તો વાત જાણે સાવ નાની હતી પરંતુ ચોક્કસ જ એટલી હ્રદયદ્રાવક હતી કે જે પ્રકારનું કામ લઈને બંને ફરજ બજાવતાં હતા તેની વચ્ચે એ ખુબ મોટી અને હંમેશા માટે યાદગાર ખુશીની પળો ઊમેરતી ગઈ.
દિવસભર શહેરના માર્ગો પર ખડે પગે રહીને ફરજ બજાવતી ટ્રાફિક પોલીસ હોય કે ટ્રાફિક બ્રિગેડની યુવતીઓ સતત વાહન ચાલકો અને ભીડને કાબૂ કરતાં કરતાં શરીર સાથે મગજના શ્રમથી અકળામણ અનુભવે એ અમુક અંશે વ્યાજબી પણ ઠેરવી શકાય છે. એવામાં પણ જ્યારે તેમનો માનવતાભર્યો ચહેરો સામે આવે ત્યારે ચોક્કસ જ એ જવાનોને સલામ મારવાનું મન થયા વગર નથી રહેતું અને એવું કાર્ય કરવાનો તેમને પણ આનંદ હોય છે. પણ એ આનંદ ત્યારે ચોક્કસ જ બેવડાઇ જાય છે તેમાં તેમને કોઇ સામેથી યાદ કરીને માનવતાની મહેંક છોડે છે.
હકીકતમાં, બપોરે ભર તાપમાં બે યુવતીઓ ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવી રહી હતી. અડાજણ ગેસ સર્કલ પાસે તેઓ ટ્રાફિક નિયમનમાં વ્યસ્ત હતા. એટલામાં છોકરાઓની કોલાહલથી ભરેલી એક સ્કૂલ વાન ત્યાંથી પસાર થઈ અને બ્રેક લાગી. વિન્ડોમાંથી એક માસુમ બાળકે હાથ કાઢીને સીધી બે કેડબરી ચોકલેટ કાઢીને એક એક આપી. ટ્રાફિક બ્રિગેડના જવાનોને વગર કહ્યે કોઈ પાણી પણ ગરમીમાં ન પીવડાવતું હોય ત્યારે સ્કુલના બાળકોને આ સુઝે એ ચોક્કસ જ ખાસ કરીને જ્યારે એ મહિલા કર્મચારી હોય તો એ ભાવુક થયા વગર નથી જ રહી શકતી. એક ક્ષણે આ સરપ્રાઇઝથી તેમનાં મોંમાંથી કોઈ શબ્દો પણ ન નીકળ્યા અને બીજી પળે સ્વસ્થ થઈ બાળકો સાથે એટલી જ પ્રેમથી વાત કરવા લાગી અને જાણ્યું કે કોનો બર્થ ડે છે તેમને બર્થ ડે વીશ કરી અને હસતાં મોંએ તેમને ટાટા-બાય-બાય પણ કરી દીધું.
આ બધું માંડ એકાદ મિનિટનું દ્રશ્ય પણ ન હતું પરંતુ કર્મચારીઓ માટે બાળકોની આ હરકતે સૌના દિલ જીતી લીધા. સાચે જ સમાજને આવા દ્રશ્યો જ્યાં સુધી જીવંત છે ત્યાં સુધી કોઈ તકલીફો હરાવી શકે તેમ નથી. લોકો સમજે છે અને સન્માન પણ આપે છે સમાજની સેવામાં જે સાચા અર્થમાં રાત-દિવસ એક કરે છે તેમનું માન જાળવવું આખરે એ પણ એક સમાજવિદ્યાનો જ પાઠ છે.