સવારે દર વર્ષની જેમ જ પરંપરાગત રીતે ભાગળ ચાર રસ્તાથી શ્રીજીની વિદાય યાત્રાનો શહેરના શ્રેષ્ઠી એવા સાધુ-સંતો અને અગ્રણી નાગરિકોએ પ્રારંભ કરાવ્યો હતો. સુરતમાં ડુમસ દરિયા કિનારે ઉપરાંત કૃત્રિમ તળાવમાં વહેલી સવારથી ગણપતિ બાપા મોરિયા, ગણપતિનો જયજયકાર જેવા ગગનભેદી નાદ સાથે વિસર્જન યાત્રાનો સંપૂર્ણ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો. પાલિકા દ્વારા નિર્મિત 20 કૃત્રિમ તળાવમાં વિસર્જન શાંતિપૂર્ણ રીતે શરૂ થઈ ગયું હતું.
ગણેશ મહોત્સવની વધુ ધામધુમ સાથે ઉજવણી થઇ હોવાનું લોકો અનુભવી રહ્યા હતા. માર્ગોની સમસ્યાને કારણે લોકો વહેલાસર નીકળીને ટ્રાફિકજામ થાય એ અગાઉ શાંતિથી વિસર્જનયાત્રાને પાર પાડવાના મૂડમાં હોવાથી એકંદરે વ્યવસ્થા બપોર સુધી આપમેળે જ ગોઠવાયેલી રહેતા તંત્રને એકંદરે રાહત પહોંચી હતી.
જોકે અમુક સ્થળે જયાં તંત્રની મંજૂરી ન હતી અથવા તો તંત્રની વ્યવસ્થા ન ગોઠવાઈ હોય તેવા સ્થળોએ પણ લોકો વિસર્જન કરતા જોવા મળ્યા હતા. આ વખતે મોટી પ્રતિમાની સંખ્યા પણ વધારે હોવાથી વિસર્જન યાત્રામાં તકલીફ સર્જાઈ શકે છે એવી લોકોમાં ભીતિ હતી.
બીજીતરફ કોરોના બાદથી સંખ્યાબંધ સોસાયટીઓમાં લોકોમાં સોસાયટીમાં જ વિસર્જન કરવાનો ટ્રેન્ડ પણ લોકપ્રિય બની રહ્યો છે. સોસાયટીની ફરતે નાનકડી પરંતુ ભાવભીની યાત્રામાં સોસાયટીના તમામ રહીશો જોડાઈ શકે છે અને વિધ્નહર્તાને વિદાય આપે છે.
શહેરમાં દરેક વિસર્જન પોઈન્ટ પર જરૂરી સાધનસરંજામ સાથે ફાયરબ્રિગેડ અને સ્વયંસેવકોનો કાફલો ખડેપગે સેવામાં હતો.