સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી ‘મા ઉમિયાના જયધોષ’ સાથે સીદસર પહોંચવા પાટીદાર યુવાનોમાં ભારે ઉત્સાહ- સવા શતાબ્દી મહોત્સવના મંગલચરણ સાથે આયોજનની નામના ‘ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ્’ માં પહોંચશે
જામજોધપુર તાલુકાના સિદસર ખાતે ઉમિયા માતાજી પ્રાગટયના 125 વર્ષ પૂર્ણ થવા સાથે ‘સવા શતાબ્દી મહોત્સવ’ના આયોજનને અતિભવ્ય ઓપ આપવા તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. મહોત્સવના મંગલાચરણ નિમિત્તે 125 કાર રેલીઓ યોજાવાની છે. 125 રેલીમાં રાજ્યભરમાંથી 6200થી વધુ કારમાં પાટીદારો ઉમિયાધામ સિદસર પહોંચી ‘સામાજીક સંમેલન’ માં હાજરી આપશે.
લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી એ, 29 સપ્ટેમ્બરથી 1 ઓકટોબર દરમિયાન ઉમિયાધામ સિદસર ખાતે યોજાનારા ત્રિદલ કાર્યક્રમોની વિગતો જાહેર થતાં જ પાટીદાર સમાજમાં નવચેતના ઉમેરાઈ છે. શ્રી ઉમિયા માતાજી મંદિર સાથે આગેવાનોએ વિગતો આપતાં જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાની વિશેષ ઉપસ્થિતીમાં આયોજીત સામાજીક સંમેલનો તથા અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવા ગુજરાતભરમાંથી 125 કાર રેલી ઉમિયાધામ સિદસર પહોંચશે. 51 કારની એક રેલી એવી 125 કાર રેલીમાં મા ઉમિયાના ભક્તો દર્શન માટે પહોંચશે ત્યારે તેના આયોજન માટે પણ તડામાર તૈયારી આરંભાઈ ચૂકી છે.
125 કાર રેલીમાં જામનગર, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાઓમાંથી કાર જોડાશે. એ ઉપરાંત સમસ્ત ગુજરાતની વાત કરીએ તો, અમદાવાદમાંથી 4, ગાંધીનગરથી 1, વડોદરા-આણંદથી 2, ભરૂચ-અંકલેશ્વરથી 1, સુરતથી 3, કામરેજ અને નવસારીથી 1, ચીખલી બીલિમોરાથી 1, વલસાડ-વાપીથી 1 કાર રેલી ઉમિયાધામ સિદસર પહોંચશે. 6200 થી વધુ કારની 125 રેલીઓના પ્રસ્થાન જે તે સ્થળના સામાજના આગેવાનો કરાવશે. જે-તે સ્થળથી ઉમિયાધામ સિદસર પહોચતા સુધીના તમામ રૂટ પર આવતા પાટીદાર સમાજના ગામોમાં કાર રેલીનું ડીજે, બેન્ડ, ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત થશે. એ માટે પણ પુરતું આયોજન ગોઠવાઈ ચૂક્યું છે.
અત્રે સવિશેષ ઉલ્લેખ કરવો ઘટે કે, 125થી વધુ સ્થળેથી કાર રેલી યોજાતી હોય અને એક સાથે એક સ્થળે પહોંચવાની હોય તેવા અનોખા આ પ્રસંગની ‘ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ’માં નોંધ થશે. રેલી માટે પણ માઇક્રો આયોજન કરવામાં આવ્યું છે. રેલીમાં જોડાય એ કાર સાથે 1થી 51 નંબરના સ્ટીકર દરેક કારમાં ઝંડી તથા દરેક રેલી સાથે ઈન્ચાર્જ, પાયલોટીંગ કાર રહેશે. રેલીને લાખો લોકો સુધી ભવ્ય રીતે પહોંચાડી શકાય એ માટે વીડિયો સહીતની તમામ વ્યવસ્થાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.