શું તમે દેશની સૌથી મોટી બેંક SBI ના ગ્રાહક છો ? શું તમે અહીંથી કોઈ પ્રકારની લોન લીધી છે? તો તમારા માટે આ સવાર એક અલગ અનુભવ કરાવતા સમાચાર આવ્યા છે. તમને તાકીદ કરીએ છે કે તમે લીધેલી લોનની EMI સમયસર ભરો. જો તમે આમ કરવામાં નિષ્ફળ થશો, તો તમને ચોકલેટ મોકલવામાં આવશે. તમને નવાઈ લાગી ને ? પરંતુ આ મજાક નથી, હવે લોન રિકવરી કે EMI બાઉન્સની પરિસ્થિતિનો સામનો કરવા SBIએ કર્મચારીઓ દ્વારા ગ્રાહકો પર દબાણ લાવવાને બદલે ચોકલેટનો ઉપયોગ કરીને રિકવરીનો અનોખો પ્લાન બનાવ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આવા લોન ગ્રાહકોને રીમાઇન્ડર મોકલવા માટે આ પદ્ધતિ અપનાવી છે જેઓ તેમની EMI ચૂકવવામાં અનિચ્છા ધરાવે છે અથવા સમયસર હપ્તા ચૂકવતા નથી.
સ્ટેટ બેંક આ રીતે લોનની પુનઃચુકવણીના સારા સંગ્રહની અપેક્ષા રાખે છે. SBI અનુસાર, આ રીતે લોકોને યાદ અપાશે કે લોનની EMI સમયસર ચૂકવવી મહત્વપૂર્ણ છે. જો કે, બેંકના જણાવ્યા અનુસાર, આ પદ્ધતિ હાલમાં પ્રાયોગિક તબક્કે શરૂ કરવામાં આવી રહી છે. જો આપણે SBIના રિટેલ લોન ડેટા પર એક નજર કરીએ, તો જૂન 2023 ક્વાર્ટરમાં વિતરિત લોનનો સ્કોપ રૂ. 12,04,279 કરોડ સુધી પહોંચ્યો હતો, જે એક વર્ષ અગાઉ એટલે કે જૂન 2022 ક્વાર્ટરમાં રૂ. 10,34,111 કરોડ હતો. એક વર્ષમાં 1,70,168 કરોડ રૂપિયાનો વધારો થયો છે. જૂન, 2023 માં આપવામાં આવેલી છૂટક લોનની તુલનામાં બેંકની કુલ ઉધાર રૂ. 33,03,731 કરોડ હતી.
બેંકમાંથી લોન લીધા પછી, જો કોઈ ગ્રાહક તેના માસિક હપ્તા એટલે કે EMI ચૂકવવાનું ભૂલી જાય અથવા બેંકને આશંકા હોય કે ગ્રાહક ડિફોલ્ટ થઈ શકે છે, તો બેંક આવા ગ્રાહકોના ઘરે ચોકલેટ મોકલશે. ચોકલેટનું આ બોક્સ SBIનો કર્મચારી લઈ જશે અને તે સંબંધિત ગ્રાહકને યાદ અપાવશે કે તેણે બેંકમાંથી લીધેલી લોનની EMI ચૂકવી નથી અને તેને શક્ય તેટલી વહેલી તકે ચુકવણી કરવાની સલાહ આપશે.