મોટા બાપની ઓલાદોને સાચવવા તંત્ર પ્રજાના જીવ સાથે ચેડાં કરતી હોવાના બળાપા સાથે સાજનને લોકોએ પોલીસને તો સોંપ્યો હવે જવાબદારી પોલીસની
એક તથ્ય પટેલને સાચવવાની તંત્રની નફ્ફટાઈ કઈ હદે પ્રજાને ભારે પડી રહી છે તેનો વધુ એક નમુનો હવે સુરતમાં જોવા મળ્યો છે. રાત પડતાં જ દારૂના મદમાં છકીને પૈસાના તૌરમાં ફરતા નબીરાએ પાંચેક જણને અડફેટે લઈ ઈજાઓ પહોંચાડી છે. કાપોદ્રામાં રાત્રે ચિક્કાર દારૂના નશામાં સ્વિફ્ટ કારના ચાલકે બીઆરટીએસ રૂટમાં ત્રણ બાઈકચાલક અને બે રાહદારીને ઉડાવ્યા હતા. અકસ્માતમાં લોકોએ કારચાલકને પકડીને બરાબરનો ધોઇ નાખીને પોલીસને હવાલે કર્યો છે. મેથીપાક આપતા લોકોનો એ જ બળાપો હતો કે ‘આ તથ્યનો ભાઈ જ છે’ આવા નરાધમોને કડક સજાની મળવી જ જોઈએ.
ગુજરાત બ્રેકિંગ સાથે વાત કરતાં કાપોદ્રા પોલીસે જણાવ્યું હતું કે, ઉત્રાણના રાજપૂત ફળિયામાં રહેતો 27 વર્ષીય સાજન પટેલ બર્થડે પાર્ટીના નામે ચિક્કાર દારૂ પીને ચિક્કાર નશામાં હતો અને એ મિત્રો સાથે વધુ દારૂની મહેફિલમાં જઈ રહ્યો હતો એ દરમિયાન તેની સ્વિફ્ટ કાર નંબર GJ-05- RR-9995માં રચના સર્કલ તરફ જતાં જવાહનરનગર ચાર રસ્તા પરથી બેફામ ઓવરસ્પીડમાં હંકારીને બરાડા પાડી રહ્યો હતો
કાપોદ્રા વિસ્તારમાં આવેલી સ્નેહ મુદ્રા સોસાયટી પાસે રાત્રે સ્વિફ્ટ કારના ચાલક દારૂડીયા સાજન પટેલે બેફામ બનીને બીઆરટીએસ રૂટમાં ત્રણ બાઈક અને બે રાહદારી સહિત 6 જેટલા લોકોને અડફેટે લઈ ઉડાવ્યા હતા. સ્વિફ્ટ કારે એક બાદ એક એમ ત્રણ બાઈકો અડફેટે લીધાં હતાં. બીઆરટીએસ રૂટ પૂરો થયા બાદના ચાર રસ્તા પર બાઇકસવારો રોડ ક્રોસ કરી બીઆરટીએસ રૂટમાં જઈ રહ્યા હતા તેમને પણ કચડી નાખ્યા હતા. અકસ્માત થવા છતાં આ નશામાં ધૂત એવા સાજન પટેલે નફ્ફટાઈપૂર્વક કારને વધારે બેફામ ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, લોકોએ કારચાલક સાજન પટેલને પકડી લીધો હતો. લોકોનું કહેવું હતું કે, એ ઝડપાયા બાદ પણ દારૂના નશામાં ભાન ભૂલી ગાળો બોલીને તેની તાકાતનું પ્રદર્શન કરતો હતો.
સાજન પટેલે કારચાલકે બાઈકચાલકોને અંદાજે 20 ફૂટ જેટલા ઢસડી જતાં મધરાતે રસ્તો દર્દભરી ચિકિયારીઓથી ગૂંજી ઊઠ્યો હતો. એરબેગ ખૂલવાની સાથે અકસ્માતના સ્થળથી 25 ફૂટ દૂર કાર રોકાઈ હતી. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. લોકોએ કારચાલકને કારમાંથી બહાર કાઢી માર પણ માર્યો હતો. કાપોદ્રા પોલીસના જણાવ્યા મુજબ, સાજન પટેલ ઉત્રાણમાં રહે છે અને ગાડીઓની લે-વેચનો ધંધો કરે છે.
કાપોદ્રા પીઆઇ એમ.બી. વાછાણીએ જણાવ્યું હતું કે, કારચાલક દારૂના નશામાં હોવા અંગે સ્મીમેર હોસ્પિટલમાં સેમ્પલ લેવામાં આવ્યા છે. પોલીસે બેફામ ડ્રાઈવિંગ કરી લોકોને જીવનું જોખમ ઊભું કરવા સબબ કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
ગુજરાત બ્રેકિંગ સાથે વાતચીતમાં ઈજાગ્રસ્ત કિશન હીરપરાના પિતા અશ્વિનભાઈએ જણાવ્યું હતું કે, મારો દીકરો કિશન એટીએમમાંથી રૂપિયા ઉપાડી ઘરે પરત ફરી રહ્યો હતો અને આ અકસ્માત સર્જાયો. કારચાલક દારૂના ચિક્કાર નશામાં હતો. મારા દીકરો હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. ડોક્ટરોનું કહેવું છે કે તેને ત્રણેક ઓપરેશન કરવા પડે તેવી સ્થિતિ છે. તેના હાથ-પગમાં ગંભીર ઇજાઓ છે. યશ ઘેવરિયા નામના યુવકને પણ આ ઘટનામાં ગંભીર ઇજા પહોંચી છે.