બાળકો કોમ્પ્યુટર સ્ક્રીનની સામે ઘણો સમય વિતાવે છે અને તેમના માટે ઇન્ટરનેટનો ઉપયોગ કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે તે અંગે એક નવો મામલો સામે આવ્યો છે. કોમ્પુટર કે મોબાઈલ સમય કરતાં પહેલા વાપરતા આવડવું એ સિદ્ધિ તરીકે જોઈ હરખાતા મા-બાપ માટે આ ચોક્કસ જ ચેતવણીરૂપ ઘટના છે. નેધરલેન્ડમાં રહેતી બાર્બરા ઝેમેન નામની મહિલાએ આ ચોંકાવનારી ઘટનાને સૌની સામે મૂકી છે અને જણાવ્યું છે કે કેવી રીતે તેનો માત્ર 8 વર્ષનો પુત્ર સાયબર ક્રાઈમની દુનિયાનો હિસ્સો બન્યો. તેણે ગુપ્ત રીતે ડાર્ક વેબમાંથી એકે-27 રાઇફલ્સ સહિતની ગેરકાયદેસર અને ખતરનાક વસ્તુઓ મંગાવી હતી.
બાર્બરા પોતે માનવ સંસાધન નિષ્ણાત તરીકે કામ કરે છે. તેણે કહ્યું કે તેના પુત્રએ ખૂબ જ નાની ઉંમરથી હેકિંગ કરવાનું શરૂ કર્યું અને ચૂકવણી કર્યા વિના વસ્તુઓ ઓનલાઈન ઓર્ડર કરવાનું શરૂ કર્યું. પહેલા તે ફ્રી પિઝા જેવી નાની વસ્તુઓ સુધી સિમીત હતી પરંતુ ધીમે ધીમે વાત તેના હાથમાંથી નીકળી ગઈ અને તે ડાર્ક વેબ પર પહોંચી ગયો. તમને જણાવી દઈએ કે, ડાર્ક વેબ એ ઈન્ટરનેટનો તે ભાગ છે જ્યાં ગેરકાયદેસર ગતિવિધિઓ થાય છે અને હથિયારો અથવા ડ્રગ્સ જેવી ગેરકાયદેસર વસ્તુઓ મળી આવે છે.
બાર્બરાના 8 વર્ષના પુત્રએ ઈન્ટરનેટ પર પોતાની હરકતો છુપાવવા માટે ખાસ કોડ શબ્દો અને શબ્દસમૂહોનો ઉપયોગ કર્યો હતો. ઉદાહરણ તરીકે, રૂમમાં માતાના આગમન વિશે સાથીઓને જાણ કરવા માટે ‘Pitt is coming to our place.’ એ પ્રકારના કોડનો ઉપયોગ કરતો હતો. તે ઓનલાઈન ગેમ્સ દ્વારા ખરાબ લોકો, ગુનેગારો અને હેકર્સ સાથે સંકળાયેલો હતો અને ગેરકાયદેસર નાણાંની લેવડદેવડમાં પણ મદદ કરતો હતો.
બાર્બરાને મામલાની ગંભીરતા ત્યારે સમજાઈ જ્યારે ગેરકાયદેસર રીતે મંગાવેલી AK-47 ઓટોમેટિક રાઈફલ તેના ઘરે પહોંચાડવામાં આવી. તે જાણીને ચોંકી ગઈ કે આ એસોલ્ટ રાઈફલ તેના પુત્રએ મંગાવી હતી. તેનો પુત્ર કોઈ શંકાને ટાળવા બંદૂક પોલેન્ડથી બલ્ગેરિયા થઈને ઘરે લાવ્યો હતો. બાર્બરા સતર્ક થઈ ગઈ અને તરત જ સ્થાનિક પોલીસને રાઈફલ સોંપી દીધી, પરંતુ તેના પુત્રની નાની ઉંમરના કારણે તેની સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી ન હતી.