નકલી બિલ દ્વારા ટેક્સ ચોરી કરનારાઓ હવે સુરક્ષિત નથી. હવે સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક (GSTN)ને PMLA હેઠળ લાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. GSTN ને એવી સંસ્થાઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે કે જેમની માહિતી ED અને ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (FIU) સાથે શેર કરવી જરૂરી છે. મતલબ કે હવે ED અને FIU GST સંબંધિત મામલાઓમાં સીધો હસ્તક્ષેપ કરી શકશે. આ સાથે, ED GST ચોરી કરનાર પેઢી, વેપારી અથવા સંસ્થા સામે સીધી કાર્યવાહી કરી શકશે. આનાથી EDને GST ચોરી સંબંધિત કેસમાં મદદ મળશે.
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, GST નેટવર્કનો ડેટા ED અને FIU સાથે શેર કરવામાં આવશે. આ યાદીમાં હવે કુલ 26 એકમો છે. જો FIU અને EDને કોઈપણ GST આકારણીનો કોઈ શંકાસ્પદ ફોરેક્સ વ્યવહાર જણાય, તો તેઓ GSTN સાથે માહિતી શેર કરશે. ED નકલી GST નોંધણીના કેસની તપાસ કરી રહી છે. આ કિસ્સામાં, તે પ્રકાશમાં આવ્યું છે કે કેટલાક લોકોએ ચોરી કરેલા PAN અને આધારનો ઉપયોગ કરીને GST રજિસ્ટ્રેશન મેળવ્યું હતું અને મની લોન્ડરિંગ માટે શેલ કંપનીઓ બનાવી હતી.
કેન્દ્ર અને રાજ્ય સરકારના GST સત્તાવાળાઓ દ્વારા ભૌતિક ચકાસણી માટે 60,000 GST ઓળખ નંબર પસંદ કરવામાં આવ્યા છે. દેશભરના ફિલ્ડ ટેક્સ અધિકારીઓ તેમની ચકાસણી કરી રહ્યા છે. તેમાંથી 50,000 થી વધુ નંબરોની ચકાસણી કરવામાં આવી છે. તેમાંથી 25% નકલી નીકળ્યા છે અને અત્યાર સુધીમાં 11,000 થી વધુ GSTN સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) કરચોરીને રોકવા માટે ઘણા પગલાં લઈ રહ્યું છે. CBICના ચેરમેન વિવેક જોહરીએ ગયા મહિને કહ્યું હતું કે સરકાર બોગસ બિલિંગ અને બોગસ ઇન્વોઇસિંગની તપાસ કરવા અને શેલ બિઝનેસની ઓળખ કરવા માટે ગંભીર છે.