ચેમ્બરની એસબીસી કમિટી દ્વારા બિઝનેસ પ્રેઝન્ટેશન મિટીંગની સાથે ‘અવેરનેસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ ઇન રિયલ એસ્ટેટ ઇન નેકસ્ટ ડિકેડ’ વિષય પર રસપ્રદ પેનલ ડિસ્કશન યોજાયું હતું. પેનલ ડિસ્કશનમાં પેનલિસ્ટો તરીકે ક્રેડાઇ સુરતના પ્રમુખ સંજય માંગુકીયા, ભૂતપૂર્વ ચેરમેન સુરેશ પટેલ અને ઉપ પ્રમુખ ડો. જિગ્નેશ પટેલે સુરત શહેરના ડેવલપમેન્ટ, રિયલ એસ્ટેટ, જંત્રીમાં વધારો, જીએસટી અને રેરા વિષે પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની એસજીસીસીઆઇ બિઝનેસ કનેક્ટ કમિટી દ્વારા બિઝનેસ પ્રેઝન્ટેશન મિટીંગ અને ‘અવેરનેસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ ઇન રિયલ એસ્ટેટ ઇન નેકસ્ટ ડિકેડ’વિષે પેનલ ડિસ્કશનનું આયોજન થયું હતું. આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે સુરત એ ટેક્સટાઇલ, ડાયમંડ અને રિયલ એસ્ટેટ એમ ત્રણ પીલર પર ઉભેલું શહેર છે. તેમણે ચેમ્બર દ્વારા બાંગ્લાદેશ અને દુબઇ ખાતે યોજાયેલા એક્ઝિબિશન્સ અંગે માહિતી આપી હતી. વધુમાં તેમણે કહયું હતું કે, સુરત એ ગારમેન્ટીંગનું હબ બને તે દિશામાં પ્રયાસ કરવામાં આવી રહયો છે.
ક્રેડાઇ સુરતના પ્રમુખ સંજય માંગુકીયાએ જણાવ્યું હતું કે, સુરતનું ભવિષ્ય ઘણું ઉજળું છે. કોવિડ– ૧૯ ને કારણે જે પરિસ્થિતિ સર્જાઇ હતી તેને કારણે ઘરમાં કેવી સુવિધા હોવી જોઇએ? તેવું લોકો વિચારતા થયા છે. સુરતમાં ઘણા નવા ડેવલપમેન્ટ આવી રહયાં છે ત્યારે શેરબજારની જેમ રિયલ એસ્ટેટમાં પણ એન્ટ્રી અને એક્ઝિટ મહત્વના હોય છે. એમાં ડિમાન્ડ એન્ડ સપ્લાય એ સમયને આધિન હોય છે. સુરતમાં નવા વિસ્તારો ડેવલપ થઇ રહ્યા છે અને લોકો હવે નવા વિસ્તારોમાં ઘરો પણ લઇ રહયાં છે. સુરત શહેર મેટ્રો ટ્રેન, બુલેટ પ્રોજેકટ, સુરત–ચેન્નાઇ એકસપ્રેસ વે, સુરત રેલવે સ્ટેશનની કાયાપલટ સાથે મેટ્રો સિટી તરફ આગળ વધી રહયું છે.
ક્રેડાઇ સુરતના ભૂતપૂર્વ ચેરમેન સુરેશ પટેલે જંત્રી, જીએસટી અને રેરા વિષે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જંત્રી વધવાને કારણે ઘણા પ્રોજેક્ટને અસર થાય તેમ હોવાથી મુખ્યમંત્રીને રજૂઆત બાદ બે મહિનાની રાહત મળી છે. પ્રોપર્ટી ટેક્સ તેમજ સ્ટેમ્પ ડયૂટી ઘટાડવા પણ રજૂઆત થઇ છે અને તેમાં ઘડાટાની શકયતા દેખાય છે. તેમણે રેરા કાયદા વિષે માહિતી આપી ઇમ્પેકટ ફી, રેવન્યુ ઇમ્પેકટ અને કન્સ્ટ્રકશન ઇમ્પેકટનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
ક્રેડાઇ સુરતના ઉપ પ્રમુખ ડો. જિગ્નેશ પટેલે જણાવ્યું હતું કે, રિયલ એસ્ટેટમાં જમીન એ રો મટિરિયલ હોય છે અને એને રેવન્યુમાં કન્વર્ટ કરવાની હોય છે. રિયલ એસ્ટેટ એવું ક્ષેત્ર છે કે જે ફિઝીકલમાંથી ફિસ્કલમાં કન્વર્ટ થાય છે. તેમણે કહયું કે, ભારતભરમાં સૌથી સારું મોડલ સુરત શહેરમાં છે. સુરતમાં સેલ્ફ સસ્ટેનેબલ મોડલ છે, જે લોકોને સૌથી સારું ઇન્ફ્રાસ્ટ્રકચર આપે છે. શહેરના વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર જરૂરી છે. દરેક પ્રકારની સુવિધા સુરતમાં મળી રહે છે. સુરતમાં કવોલિટી ઓફ લાઇફ છે. આથી સુરતને બ્રાન્ડ બનાવવાની જરૂર છે.