દર વખતે એક નવા નામે કંપની બનાવી ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પર લેડીઝ ગારમેન્ટ અને બેગ્સ આકર્ષક ભાવમાં વેચવાની જાહેરાત આપી નાણાં ચાંઉ કરતો ગોપીપુરાનો 26 વર્ષિય સુફિયાન રંગુનવાલા પોલીસ ગિરફ્તમાં છે. આ ઠગની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, પોલીસ તેમાં ખૂંપી રહી છે તેમ-તેમ તેના કારનામા ચોંકાવનારા સાબિત થઈ રહ્યા છે. તેના એકાઉન્ટમાંથી ચાર વર્ષના સમયગાળામાં આશરે સાડા ચાર કરોડનું ટ્રાન્ઝિકશન મળ્યું છે. તેના એકાઉન્ટમાં 25 હજાર કરતાં વધુ લોકોએ નાણાં જમા કરાવ્યા હતા. તેણે પોતાની ઠગવિદ્યાનો ઉપયોગ મોટેભાગે મહિલાઓ પર જ અજમાવી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગત વર્ષે ખટોદરા પોલીસ મથકે એક યુવતીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ યુવતીને વોટ્સએપ ઉપર એક મેસેજ આવ્યો હતો. તેણે 4597 રૂ.માં ચણીયા- ચોળીનો ઓર્ડર નોંધાવ્યો હતો. યુવતીએ ગુગલ- પે મારફત પૈસા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. પૈસા મળી ગયા બાદ થોડો સમય ગલ્લાં-તલ્લાં કરી ઠગે તેનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો.
ખટોદરા પોલીસે આ પ્રકરણમાં તપાસના ગોપીપુરા મોમનાવાડ સ્થિત પાલ કોમ્પલેક્ષમાં રહેતાં 26 વર્ષીય સુફિયાન સાજીદ રંગુનવાલાની ધરપકડ કરી હતી. તેની તપાસ જેમ-જેમ આગળ વધતી ગઈ આ પ્રકરણ પોલીસને પણ અચંબિત કરી ગયું પોલીસે તેનાં બેન્ક ટ્રાન્ઝિકશનને ખંગોળતાં બહાર આવ્યું કે, ચાર વર્ષમાં તેનાં 12 બેન્ક એકાઉન્ટમાં કુલ 4.50 કરોડનું ટ્રાન્ઝિકશન કર્યું હતું. જેની તપાસ કરતાં સાફ થયું કે દેશભરમાંથી 25 હજારથી વધુ લોકોનો ઓર્ડર તેણે લીધો હતો અને તેમાંથી મોટે ભાગની મહિલાઓ હતી.
સુરત પોલીસને એ જાણતાં વાર ના લાગી કે, આ એક મસમોટું સાયબર કૌભાંડ ઉજાગર થવા જઈ રહ્યું છે. પોલીસે સોશિયલ મીડિયા પર મેસેજ બ્રોડકાસ્ટ કરતાં ઠગ તરફ હવે પગેરું દબાવતાં તમામ નંબરો વેરિફાય કરવા માંડ્યા હતા. આકર્ષક ભાવની ઓફર્સ રજૂ કરતાં આ યુવકનું લોકેશન શોધવામાં પોલીસને વાર ન લાગી અને હજ્જારો મહિલાને ઠગનાર ગોંડલ વિસ્તારનો રિઝવાન હોવાનું કન્ફર્મ થયું,
રિઝવાન મહિલાઓ તરફથી મળતા ઓર્ડર મુજબના રૂપિયા કયુઆર કોડથી મેળવી કોઇપણ માલ ન મોકલી છેલ્લા બેથી અઢી વર્ષથી ઓનલાઇન છેતરપિંડી આચરતો હતો. આરોપી વિરૂદ્ધ પાલ પોલીસ સ્ટેશન સુરત ઉપરાંત એરપોર્ટ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર અને સાયબર પો.સ્ટે.આઉટર દિલ્લીમાં તેમજ વિજ્ઞાનનગર કોટા શહેર અને સુરત શહેર લાલગેટ પો.સ્ટે.માં બે ફરિયાદો આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ ગુનાઓના ભેદ ઉજાગર થવા સાથે હજી ફરિયાદીઓ બહાર આવે તેવી શક્યતા પણ પોલીસે વ્યક્ત કરી છે.
આરોપી 26 વર્ષના સુફિયાન સાજીદ રંગુનવાલા (રહેવાસી-પાલ કોમ્પલેક્ષ ફલેટ નંબર-બી/ 401, સજાવટ ફર્નિચરની બાજુમાં ગોપીપુરા મોમનાવાડ સુરત શહેર મુળ વતન-ગોંડલ કડિયાલાઇન મોટી બજાર તા.ગોંડલ જી.રાજકોટ)ની સઘન તપાસ હાલ ચાલી રહી છે.
સુફિયાને પોલીસ સમક્ષ જે કેફિયત રજૂ કરી છે એ સામાન્ય પ્રજાએ ખૂબ સમજવા જેવી છે તેનું પોલીસ સમક્ષ કહેવું છે કે, તે ઓનલાઈન વેપાર કરતો હતો. એક- બે વખત ઓર્ડરના નાણાં મળી ગયા બાદ પણ માલ મોકલ્યો ન હતો. નાની રકમ સમજીને કોઈએ ફરિયાદ નહિ કરતાં તેને ફાવટ આવી ગઈ હતી. જેનો ગેરલાભ લઈ તેણે આ ગોરખધંધો અપનાવી લીધો હતો. તેણે પોલીસની નજરથી બચવા એવી ચાલાકી અપનાવી હતી કે, થોડાંક સમય એક કંપની ચાલુ કર્યા બાદ છેતરપિંડી કરી બંધ કરી બીજી ચાલુ કરતો હતો. આ રીતે એક પછી એક કંપની નવી કંપની શરૂ કરતો હતો.