મેષ રાશિમાં સૂર્યના પ્રવેશ સાથે ગુરુવારથી મીનારક એટલે કે કમુરતાં સમાપ્ત થયા. આ સાથે માંગલિક કાર્યોનો પ્રારંભ થશે. આ વખતે સુરતમાં ભારે સંખ્યામાં લગ્નો યોજાવાના છે, જેના કારણે બમ્પર શોપિંગની આશા છે. બેન્ક્વેટ હોલ, હોટલથી લઈને ગેસ્ટ હાઉસ સુધીનું સારું બુકિંગ મળ્યું છે. પરંતુ મોંઘવારીની અસર લગ્નો સમારોહ પર પણ જોવા મળી રહી છે. ખાસ કરીને જ્વેલરી માર્કેટમાં ખરીદદારી ખૂબ ઓછી છે.
શાકભાજી અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ઊંચા ભાવને કારણે જમણવારનું મેનુ પણ સીમિત થઈ રહ્યું છે. બીજી તરફ કપડાથી લઈને ડેકોરેશન સુધીનો ખર્ચો વધી ગયો છે. એકંદરે લગ્ન ખર્ચમાં ગત વર્ષની સરખામણીએ 25 થી 30 ટકાનો વધારો થયો છે.
આ લગ્ન સીઝનમાં સુરતમાં 37 હજાર જેટલા લગ્નો યોજાવાના છે. સુરતમાં બેન્ક્વેટ હોલ, ફાર્મ હાઉસ, કોમ્યુનિટી હોલ અને હોટલોમાં મોટા ભાગના લગ્ન માટે બુકિંગ છે.
ઘણાંખરા લગ્નો 14, 15, 17 અને 19 એપ્રિલે ગોઠવાઈ રહ્યા છે, પરંતુ મોંઘવારીના કારણે લોકો બાકીના ખર્ચાઓ પર કાપ મુકી રહ્યા છે. ફૂલોની કિંમતના કારણે ડેકોરેશનનો ખર્ચ વધી ગયો છે. બેન્ડવાજા અને બગ્ગીના બુકિંગ પણ મોંઘા થઈ ગયા છે.
પાલ રોડના એક હોટલ સંચાલકનું કહેવું છે કે, આ વખતે સારું બુકિંગ મળી રહ્યું છે. સંપૂર્ણ ક્ષમતા સાથે લગ્ન સમારોહનું આયોજન કરવાની પરવાનગી મળતા ફાયદો પણ દેખાઈ રહ્યો છે. પરંતુ મોંઘવારીને જોતા લોકો ખાણી-પીણીના મેનુને ટૂંકાવી રહ્યા છે અથવા ઓફરમાં બુક કરવાનું પસંદ કરી રહ્યા છે. આ અંતર્ગત ફૂડ પ્લેટની કિંમત પણ બુકિંગ સાથે સામેલ છે. બેન્ક્વેટ હોલનું સંચાલન કરતી મોનિકા રાણા કહે છે કે લોકોના લગ્ન છે, એટલે બુકિંગ ઘણું થઈ રહ્યું છે, પરંતુ લોકો ખર્ચા પર વધારામાં વધારે કાપ મુકવાનો પ્રયાસ કરી રહ્યા છે.
એપ્રિલમાં લગ્ન માટે સારા મૂહર્તની તારીખ
14, 15, 17, 19, 20, 21, 22, 23, 27, 28, 29 એપ્રિલ
ભાગળના એક જ્વેલર સુકેતુ જૈન કહે છે કે, તેઓ પહેલી વખત લાઈફમાં એવું જોઈ રહ્યા છે કે નવરાત્રિમાં ગ્રાહકો નહોતા અને હવે લગ્નની સિઝન શરૂ થઈ તે પહેલાં પણ ગ્રાહકો નથી. સોનાનો ભાવ 53700 રૂપિયા સુધી પહોંચી ગયો છે. કેટલાક ગ્રાહકો આવતા હોય તો પણ તેઓ જૂના દાગીના આપીને નવા બનાવવા માંગે છે. દીકરીના લગ્નમાં માતા પોતાની જૂની જ્વેલરી આપીને નવી ડિઝાઈનની જ્વેલરી કરાવે છે. તેને ઘડામણમાં જ ખર્ચ થાય છે. એવા ઘણા ઓછા ગ્રાહકો છે જેઓ નવા ઘરેણાં ખરીદે છે.
પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના મોંઘા ભાવની અસર કપડાના ભાવ પર જોવા મળી રહી છે. બોમ્બે માર્કેટમાં ટ્રેડિશનલ વેરની શોપ ધરાવતાં ચંદ્રકાંતભાઈ કહે છે કે તાજેતરના સમયમાં કપડાના ભાવમાં 10 ટકાનો વધારો થયો છે. કારણ કે ફેક્ટરીથી લઈને દુકાન સુધી ભાડું મોંઘું થઈ ગયું છે. ગ્રાહકોનું કહેવું છે કે થોડા દિવસો પહેલા કિંમત અલગ હતી, હવે તમે વધારે કહો છો. ત્યારે આ ગ્રાહકોને સમજાવવું પડે છે કે દરેક તબક્કે ભાડામાં વધારાથી ભાવમાં વધારો થયો છે.