ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસની હવે પછીની કડીમાં સરકારે અડચણરૂપ-બિનજરૂરી નિયમોમાં આમૂલ પરિવર્તન પર કામ કર્યું છે. નવી પ્રણાલી ટુંક સમયમાં લાગૂ કરવા સરકાર ઉત્સુક છે. નવી કંપનીના રજિસ્ટ્રેશન માટેની સિસ્ટમ વધારે સરળ બનાવવા કેન્દ્ર સરકારે ચક્રો ગતિમાન કર્યા છે. ઉચ્ચ સ્તરીય આધારભૂત દાવાઓ અનુસાર, આ માટેની ઓનલાઈન સિસ્ટમ તૈયાર પણ થઈ ચૂકી છે એટલું જ નહીં આ મહિનાના અંત પૂર્વે તેને લાગુ કરવાનો ટાર્ગેટ નકકી થયો છે. આ સિસ્ટમનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ એ છે કે ઉદ્યોગકારોને ઓફલાઈન રજુ કરવા પડતા જુદા-જુદા 50 પ્રકારના ફોર્મમાંથી મુક્તિ મળી જશે.
સરકારી સૂત્રોના કહેવા પ્રમાણે, ઓનલાઈન સિસ્ટમથી સોફટવેરમાં સરળતાપૂર્વક રજિસ્ટ્રેશન ફોર્મ ભરી શકાશે. એક ફોર્મમાં જરૂરી વિગતોની જુદી-જુદી કોલમ હશે. જેમાં રજિસ્ટ્રેશન અંગેની તમામ જરૂરી વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રજિસ્ટ્રેશન ઓફિસ, કંપનીના ડિરેકટર્સની વિગતો, વ્યવસાય સર્ટિફિકેટ, વ્યવસાયની શરૂઆત જેવી તમામે તમામ વિગતો ઓનલાઈન આપવાની રહેશે.
સરકારના આ પગલાથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઝડપી બની જશે, બિનજરૂરી ધક્કા ખાવા જેવી ઘણી તકલીફોમાંથી રાહત મળી શકશે. વાનું માનવામાં આવી રહ્યું છે. સિસ્ટમ સુધારવા સરકાર ઈન્ફોર્મેશન ટેકનોલોજીની મહત્તમ મદદ લઈ રહી છે.
કંપની રજિસ્ટ્રેશનમાં આ પરિવર્તનના સમયગાળા દરમિયાન તમામ નવા અરજદાર સાહસિકો માટે ટુંક સમયમાં જ જાહેર નોટીસ જારી કરવામાં આવશે. જૂની સિસ્ટમમાંથી નવી સીસ્ટમ લાગુ કરવાના સમયગાળા દરમિયાન નવી કંપનીઓની રજિસ્ટ્રેશન પ્રક્રિયાને અસર પહોંચી શકે છે.
સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, નવી સિસ્ટમ લાગુ કરવા માટે સરકાર આધુનિક ટેકનોલોજી ઉપકરણો તથા નિષ્ણાંતો અને અનુભવી લોકોની મદદ લેશે જેથી ઓનલાઈન રજિસ્ટ્રેશન દરમિયાન સર્જાનારી સંભવિત ટેકનિકલ મુશ્કેલીઓનું ઝડપભેર નિરાકરણ આવી શકે તેમજ નવી સિસ્ટમને વધુ સક્ષમ બનાવવામાં મદદ મળી શકે.