ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કા માટે ભાજપની યાદી માટે કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે અને સોમવારે રાતે જ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી પહોંચી ગયા હતા અને મોડી રાત સુધી અમિત શાહના બંગલા પર ભાજપના દાવેદારોની યાદી પર ચર્ચા કરી છે.
આગામી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદીને અંતિમ રૂપ આપવા માટે ભાજપ બુધવારે સાંજે દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલયમાં તેની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક યોજશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને CEC અને રાજ્ય એકમના અન્ય સભ્યોની હાજરીમાં આ બેઠક યોજાશે.
હિમાચલ ચૂંટણીના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત પ્રવાસમાં હોવાથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક તા. 9 અને 10ના રોજ બે કે ત્રણ કલાક માટે યોજાશે તેમાં તમામ 182 બેઠકોના નામને આખરી સ્વરુપ આપી દેવાશે અને તેમાં તા. 10ના રોજ પ્રથમ યાદી જાહેર થાય તેવી શક્યતા છે. આ વચ્ચે પાર્લામેન્ટરીની કામગીરીમાં સરળતા રહે તે માટે અમિત શાહના બંગલા પર જ આ યાદીને આખરી સ્વરુપ આપવાની કામગીરી ચાલી રહી છે. જરુર પડે ગુજરાતમાં કેટલાક નેતાઓના અભિપ્રાય પણ આ મુદ્દે લેવાઈ રહ્યા છે.
મોદી અને અમિત શાહ ગુજરાતમાંથી જ હોવાના કારણે તેઓ અહીંના નાનામાં નાના નામથી પરિચિત હોવાથી ગુજરાતની યાદી માટે કોઈના માર્ગદર્શનની જરુર પડે એવું માનવાનું કોઈ કારણ નથી અને એ વાત ખૂબ પહેલેથી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ કહી ચૂક્યા છે, તેમણે આ વાત ટોળા લઈને લોબિંગ કરતાં નેતાઓને રોકવા માટે કહી સંભળાવી હતી.