કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયના લઘુત્તમ અને મહત્તમ સ્તરની ટિકિટના ભાવની ટોચમર્યાદાને દૂર કરવાના આદેશના બીજા જ દિવસે સ્પાઈસ જેટ અને ઈન્ડિગોના શેર આસમાનમાં નવી ઊંચાઈ આંબવા લાગ્યા છે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને બે વર્ષ પહેલા કેન્દ્ર સરકારે મહત્તમ અને લઘુત્તમ ભાડાની ટોચમર્યાદા નક્કી કરી હતી. નવો ઓર્ડર 31 ઓગસ્ટ, 2022થી લાગુ થશે.
સરકાર દ્વારા જારી કરાયેલા નવા આદેશની અસર શેરબજારમાં પણ સ્પષ્ટપણે જોવા મળી શકે છે. ઈન્ડિગોની પેરેન્ટ કંપની ઈન્ટરગ્લોબ એવિએશનનો શેર ગુરુવારે શરૂઆતના વેપારમાં 2.3% વધ્યો હતો. જે પછી એક શેરની કિંમત વધીને 2084.6 રૂપિયા થઈ ગઈ. તે જ સમયે, સ્પાઈસ જેટ લિમિટેડના શેરની કિંમતમાં આજે 7%નો ઉછાળો જોવા મળ્યો છે. આ વધારા સાથે કંપનીના એક શેરની કિંમત 47.9 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે.
બ્રોકરેજ ફર્મ પ્રભુદાસ લીલાધર પ્રાઈવેટ લિમિટેડના રિસર્ચ એસોસિયેટ માનસી કહે છે, “અમે સરકારના આ પગલાને સકારાત્મક તરીકે જોઈએ છીએ. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ATFના ભાવમાં ઘટાડો થયો છે. વળી, ફરી એકવાર મુસાફરોની સંખ્યા કોવિડ પહેલાના સ્તરે પહોંચતી જોવા મળી રહી છે. અમને ખાતરી છે કે ભવિષ્યમાં પણ સસ્તી ટિકિટો મળતી રહેશે.
તહેવારોની સિઝન નજીક આવી રહી છે ત્યારે ફરી એકવાર મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે. સરકારના આ નવા નિર્ણયનો લાભ ઈન્ડિગો, સ્પાઈસ જેટ, એર ઈન્ડિયા, વિસ્તારા, જેટ એરવેઝ અને આકાશ એરને મળશે.