હંમેશા કંઈક અલગ કરીને પથદર્શક સાબિત થતાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત દ્વારા આ વખતે એક અનોખો ઈતિહાસ સર્જાવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે વર્ચ્યુલી સમુહ લગ્નોત્સવ યોજવા નિર્ણય લીધો છે.
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઈ ભાલાળા, ઉપપ્રમુખ સવજીભાઈ વેકરિયા, મંત્રી અરવિંદ ધડુક, સહમંત્રી કાંતિલાલ ભંડેરી અને અન્ય સમાજ અગ્રણીઓએ સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે વર કન્યાના પિતા અથવા વાલી સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. બેઠકમાં પ્રસંગ ગૌરવપૂર્ણ રીતે થાય તેના પર ભાર મૂકી નિર્ણય લેવામાં આવ્યો હતો.
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના આયોજન અનુસાર, 20 ફેબ્રુઆરીએ 121 યુગલો એક જ સમયે પરંતુ અલગ અલગ સ્થળેથી લગ્નવિધીમાં જોડાશે. 63મા સમુહલગ્નના આ અનોખા આયોજનમાં તમામ લગ્નમંડપને ડિજીટલી જોડવામાં આવશે. મુખ્ય સમારોહ સ્થળે આશિર્વચન કાર્યક્રમ પણ યોજાશે.
લગ્ન નોંધણી ઓગસ્ટ 2021માં શરૂ થઈ હતી. સર્વસહમતિથી લેવાયેલા નિર્ણય અનુસાર, વર-કન્યા બંને પક્ષના 50-50 સંબંધીઓની હાજરીમાં સમારોહ યોજવામાં આવશે. જુદા જુદા 121 સ્થળે યોજાનાર લગ્નવિધી ડિજિટલ માધ્યમથી જોડવામાં આવશે. સંસ્થા તરફથી દરેક કન્યાને કરિયાવર, તથા કન્યાના પિતાને લગ્ન વ્યવસ્થા માટે અને 100 વ્યક્તિના ભોજન માટે રૂ. 20000 આપવામાં આવશે. સમાજ તરફથી દરેક કન્યાને રૂ. 10000 એફડી સ્વરૂપે આપવામાં આવશે.
શ્રી હરિકૃષ્ણ ગ્રુપના ચેરમેન રાકેશ દુધાત (ત્રાકુડાવાળા) લગ્નોત્સવના મુખ્ય યજમાન છે. કોરોનાની ત્રીજી લહેરમાં પટેલ સમાજના ક્રાંતિકારી નિર્ણયને ભવ્યાતિભવ્ય બનાવવા વિવિધ દાતાશ્રેષ્ઠીઓ ઉત્સાહથી આગળ આવી રહ્યા છે.