વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં શુક્રવારે રાત્રે એક સગીર પર થયેલા સામૂહિક બળાત્કારના કેસમાં પોલીસે મુખ્ય ત્રણ આરોપીઓ સહિત 5 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓને પકડવા માટે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે 1000થી વધુ સીસીટીવી કેમેરાના 70 હજારથી વધુ ફૂટેજનું વિશ્લેષણ કર્યું હતું. આ પછી ઘટનાસ્થળે મળેલા ચશ્મા અને ફોન કોલ દ્વારા આરોપીને ટ્રેસ કરવામાં આવ્યો હતો.
એડિશનલ ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટમાં દુષ્કર્મના આરોપીઓને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓ પૈકી એક આરોપીએ જજ સાહેબને બે હાથ જોડીને કહ્યું કે, સાહેબ અમને જેલમાં મોકલી દો. આરોપીએ જેલમાં મોકલવાની વિનંતી કરતાં જ કોર્ટરૂમમાં હાજર લોકોએ વડોદરા-ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા. લોકોના નારાથી કોર્ટ બિલ્ડિંગ ગુંજી ઉઠ્યું હતું. સરકાર તરફે વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી, જ્યારે આરોપીઓ માટે સરકારે નિમણૂક કરેલા વકીલ જિતેન્દ્રભાઈએ રજૂઆત કરી હતી.
અટલાદરા વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા આરોપી સિગારેટ પીને ફરાર થયા હતા. ઉલ્લેખનીય છે કે, 4 ઓક્ટોબરની રાતે આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ આરોપી ફરાર થયા હતા.
આરોપીઓના નામ
પોલીસે મુન્ના અબ્બાસ બંજારા, અલ્તાફ બંજારા અને શાહરુખ ઈસ્માઈલ બંજારાની ધરપકડ કરી છે. પોલીસે ઝડપેલા પાંચેય આરોપી પરપ્રાંતિય છે. અત્રે જણાવીએ કે, આરોપીએ મજૂરીકામ સાથે જોડાયેલા હોવાની માહિતી છે. બીજા નોરતે નરાધમોએ 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. સગીરા ભાયલીમાં મિત્ર સાથે બેઠી હતી ત્યારે 3 નરાધમોએ તેના મિત્રને ગોંધી સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું.