પંજાબના લુધિયાણામાં બનેલી ભયાનક દુર્ઘટનાથી આસપાસના લોકોમાં ભય ફેલાયો છે. અહીંની જૂની બજારમાં સો વર્ષ જૂની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. જે બાદ આજુબાજુના લોકો પોતાનો જીવ બચાવવા ભાગ્યા હતા. ત્યારે આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે.
જ્યારે બિલ્ડિંગ ધરાશાયી થઈ ત્યારે ત્યાં રહેતું એક દંપતી પણ અંદર ફસાઈ ગયું હતું, જેમને નજીકના લોકો અને પોલીસ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટનાનો ભયાનક વીડિયો નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયો હતો. ફૂટેજમાં બિલ્ડિંગ ધરાશાયી થતાં કાદવ દેખાઈ રહ્યો છે. મકાન ધરાશાયી થવાના કારણે ઘરનો તમામ સામાન કાટમાળ નીચે દબાઈ ગયો હતો અને ત્યાં ઉભેલા લોકોની મોટરસાઈકલ પણ તેની નીચે દબાઈ ગઈ હતી.
વીડિયોમાં પહેલા એક છોકરો સાંકડી ગલીમાં દોડતો જોવા મળે છે અને તેની પાછળ એક મહિલા તેના ખોળામાં બાળક લઈને પોતાનો જીવ બચાવવા દોડતી જોવા મળે છે. આ વીડિયો જેટલો ભયાનક છે તેટલો જ એક ચમત્કાર જેવો લાગી રહ્યો છે કે લોકોનો જીવ બચી ગયો.
ત્યાં રહેતા લોકોએ આક્ષેપો કરતા જણાવ્યું કે બિલ્ડિંગના માલિકને ઘણી વખત આ વિશે જાણ કરવામાં આવી હતી, પરંતુ તેણે તેના પર કોઈ ધ્યાન આપ્યું ન હતું. આ અકસ્માતમાં પડોશમાં રહેતી ખુશી અરોરા ગંભીર રીતે ઘાયલ થઈ છે, જ્યારે તેના બાળકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે.
ઈમારતની પડોશમાં રહેતા પ્રિન્સ કુમારે જણાવ્યું કે તે બાંડિયા મોહલ્લામાં રહે છે. પડોશીઓનું મકાન લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતું. તેમને અનેકવાર ફરિયાદ કરી પરંતુ કોઈએ ધ્યાન ન આપ્યું. મંગળવારે તેની પત્ની ખુશી અને પુત્ર ઘરમાં હાજર હતા. બિલ્ડિંગ ધરાશાયી થતાંની સાથે જ તેમના ઘરની દિવાલ પણ તૂટી ગઈ હતી. તેના ઘરમાં ઘણો કાટમાળ આવી ગયો.